લોસ એન્જલસઃ અમેરિકન એરલાઈન્સે ગુજરાતી મૂળના નવાંગ ઓઝા નામના યુવાનને ટિકિટ હોવા છતાં ફ્લાઈટમાં બેસવા દીધો ન હતો. બેગ લઈ જવા મુદ્દે ચાલતા વિવાદનો આ યુવાને વીડિયો ઉતાર્યો એટલે એરલાઈને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. અમેરિકન એરલાઈન્સ કંપનીઓ પેસેન્જર સાથે વારંવાર ગેરવર્તન કરતી હોવાની ફરિયાદો રહે છે. ગુજરાતી મૂળના ૩૭ વર્ષના નવાંગ ઓઝાને પણ યુનાઈડેટ એરલાઈન્સનો આવો જ ખરાબ વર્તનનો સામનો કરવો પડયો હતો.
નવાંગે ન્યૂ ઓરલિન્સથી સાન ફ્રાન્સિસ્કો જવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી. આ મુસાફરી માટેની બોર્ડિંગ પ્રોસેસમાં તેની પાસેથી સામાનના વધારાના ચાર્જ પેટે ૩૦૦ ડોલરની માગ કરાઈ. આ મુદ્દે નવાંગે એરલાઈન્સના કર્મચારીને ફરિયાદ કરી. નિયમ પ્રમાણેનો સામાન હોવા છતાં વધારાનો ચાર્જ વસૂલવા મુદ્દે તેણે દલીલો કરી. તો તેની સાથે કંપનીનાં કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી અને તેને ફ્લાઈટમાં બેસવા દેવામાં નહીં આવે એવું પણ જણાવ્યું. અગાઉ આ જ સામાન માટે તેની પાસેથી ૧૨૫ ડોલરનો ચાર્જ વસૂલાયો હતો અને ફરીથી ૩૦૦ ડોલરની માગણી થઈ રહી હતી.
એરલાઈન્સની કર્મચારીએ ફોનમાં નવાંગ વિશે ઓફિસમાં જાણ કરી. એમાં પણ તેણે કેટલીક વિગતો ભૂલભરેલી આપી. એટલે નવાંગે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. નવાંગ વારંવાર વચ્ચે મહિલા કર્મચારી જે વિગતો ફોનમાં ખોટી રીતે આપીને પછી એમાં સુધારો કરે છે એ પણ વીડિયોમાં આવ્યું છે.