ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેળની એનડીએ સરકારનું ૨૬ મેએ એક વર્ષ પૂર્ણ થતાં અમેરિકન મીડિયાએ મોદી સરકારની આકરી ટીકા કરી છે. અમેરિકી મીડિયાએ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે, મોદી સરકારનું મેક ઇન ઇન્ડિયા બીજું કંઈ નહીં પણ વાતોના વડાં છે. વોલ સ્ટ્રીટ જર્નલે ‘India's Modi at On year: zRuphoira Pahse' Is over, Challenges Loom.’ શીર્ષક સાથે આર્ટિકલ પ્રકાશિત કર્યો છે. મેગેઝિને જણાવ્યું હતું કે, ભારતના મતદારોએ ભાજપને અર્થતંત્ર ઊંચું લાવવાની અપેક્ષા સાથે સંપૂર્ણ બહુમતી આપી હતી, પરંતુ હકીકતમાં ભારતીય અર્થતંત્રમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ન્યૂ યોર્ક ટાઇમ્સે આર્ટિકલ ‘After a Year of Outsize Expectations, Modi Adjusts His Political Course for India’માં જણાવ્યું છે કે મોદીએ વાસ્તવિકતાનો સામનો કરવો જોઈએ. કારણ કે તેમનો એજન્ડા ભાવી પર જ આધારિત છે. વિરોધપક્ષોએ મોદી સરકારના બે મહત્ત્વના આર્થિક સુધારા અટકાવી દીધાં છે.
નિકાસ દરમાં મોટો ઘટાડો
વોલ સ્ટ્રીટ જર્નલે તેના આર્ટીકલમાં લખ્યું છે કે ગયા વર્ષે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે ફુગાવા આધારિત ધિરાણનું સ્તર ૨૦૦૪ પછીના સૌથી નીચલા સ્તરે પહોચ્યું હતું. એપ્રિલ ૨૦૧૫માં ભારતની નિકાસનો દર સતત પાંચમાં મહિને નીચે ગયો હતો. ઉપરાંત ભારતીય કંપનીઓની આવક પણ નજીવી રહી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ અત્યાર સુધીમાં ભારતીય શેર અને બોન્ડ બજારોમાંથી લગભગ બે બિલિયન ડોલર પાછા ખેંચી લીધા છે.
થોભો અને રાહ જુઓની નીતિ
ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ દૂરથી તો એમ લાગે છે કે ભારત એક ચમકતો સિતારો છે અને આ વર્ષે ચીનને પછાડી વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બનશે. પરંતુ ભારતમાં રોજગારીનું સર્જન ખૂબ ધીમું રહ્યું છે. ઉદ્યોગપતિઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાં છે. મોદીને રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા એ છે કે મોદીએ પોતે જ લોકોની અપેક્ષાઓ મોટા પ્રમાણમાં વધારી છે.
સુપર હીરોનું અસ્તિત્વ હોતું નથી
ન્યૂ યોર્ક ટાઇમ્સે એક ભારતીય ગાર્મેન્ટ નિકાસકારને એમ કહેતા ટાંક્યા હતા કે મોદી સરકારની છાપ જે છે તેના કરતાં વધુ મોટી ઊભી કરાઈ છે. તેઓ સુપર હીરો બની ગયાં છે. પરતું દરેક જણ જાણે છે કે સુપર હીરોનું કોઈ અસ્તિત્વ હોતું નથી.