વોશિંગ્ટનઃ રિપબ્લિકન પક્ષમાં ભારતીય સમુદાયને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જે મુજબ બે ભારતીયોને પક્ષમાં મહત્ત્વના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા. ઓહાયોના લેજીસ્લેચર નિરજ અંતાણી અને કોલોરાડોના લેજીસ્લેચર જનક જોશીની વર્ષ ૨૦૧૫-૧૬ના રિપબ્લિકન પક્ષના બોર્ડ ઓફ ફ્યુચર મેજોરિટી પ્રોજેક્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. આ બોર્ડના અધ્યક્ષ છે ટી.ડબલ્યુ. શેનોન જેઓ ઓકલાહોમા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના પૂર્વ સ્પીકર છે.
એક અખબારી નિવેદન મુજબ, ફ્યુચર મેજોરિટી પ્રોજેક્ટમાં રાજ્ય કક્ષાએ વિવિધ વંશ અને સમુદાયના લોકોને રિપબ્લિકન ઉમેદવાર તરીકે પસંદ કરે છે, અને તેમને તાલીમ આપે છે. જેઓ અમેરિકાની વિવિધતાને વધારે સારી રીતે રજૂ કરે છે. વર્ષ ૨૦૧૨-૧૩માં આ પ્રોજકેટ હેઠળ અનેક નવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા અને ૪૩ જણાને પક્ષના હોદ્દાઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે પ્રોજેક્ટ ૨૫૦ વિવિધ સમુદાયના લોકોને પસંદ કરશે અને પછી તે પૈકી પચાસ વ્યક્તિને કોઇ મહત્ત્વની જવાબદારી સોંપાશે.
અમેરિકામાં અશ્વેત ચર્ચમાં ફાયરિંગથી ૯ લોકોનાં મોતઃ અમેરિકાના સાઉથ કેરોલિના પ્રાંતના ચાર્લ્સટનમાં ઐતિહાસિક અશ્વેત ચર્ચમાં ૧૮ જૂને રાત્રે ૯ વાગે પ્રેયર સર્વિસ ચાલુ હતી ત્યારે અચનાક એક શ્વેત વ્યક્તિએ ચર્ચની અંદર આવીને આડેધડ ગોળીબાર કરતા પાદરી અને સેનેટર ક્લીમેન્ટા પિંકની સહિત નવ લોકોના મોત થયા હતા. હુમલાખોર ગોળીબાર કરીને ત્યાંથી ભાગી ગયો હતો. સાઉથ કેરોલિના રાજ્યના ગવર્નર નિક્કી હેલી ગોળીબારને દર્દનાક ઘટના ગણાવી હતી.