વોશિંગ્ટનઃ અમેરિકામાં હવે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવાનું પહેલા જેવું સરળ નહીં હોય. ટ્રમ્પ તંત્રની ઇમિગ્રેશન વિરોધી નીતિની જાળમાં હવે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવનારા સપડાયા છે. પરિણામે હવે લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવું એક રીતે લગભગ અશક્ય બની જશે. આ વર્ષ 2025માં અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને આવીને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓને ફોર્મ એલ-130 અને સ્ટેટસ એડજસ્ટમેન્ટની પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. અમેરિકન નાગરિક અને ઇમિગ્રેશન સર્વિસ (યુસીએસઆઇએસ) એ લગ્નના આધારે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. આ ફેરફારોમાં એપ્લિકેશન માટે વધુ લાંબો પ્રતીક્ષા સમયગાળો, લગ્નની ખરાઈ કરવા માટે તપાસ, ફોર્મમાં ફેરફાર અને વધેલી ફી સામેલ છે. આના લીધે અરજદારોએ ગ્રીન માટે અરજી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે.