ફ્લોરિડાઃ અમેરિકાનાં ફ્લોરિડામાં ભારે તબાહી મચાવ્યા પછી ઈરમા વાવાઝાડોની તીવ્રતા નબળી પડી ચૂકી છે. વિનાશક વાવાઝોડાંએ કુલ ૩૦થી વધુનો ભોગ લીધો છે. વાવાઝોડાંને કારણે મકાનો અને હજારો ઘરો તૂટી પડતા લાખો લોકો બેઘર થયા છે. ફ્લોરિડામાં વિનાશ વેર્યા પછી જ્યોર્જિયા અને સાઉથ કેરોલિના તરફ વાવાઝોડું ફંટાયું હતું જ્યાં ભારે નુકસાન થયું છે.
જ્યોર્જિયામાં ૩નાં અને સાઉથ કેરોલિનામાં એકનું મોત થયું છે. આ વાવાઝોડું જ્યારે ત્રાટક્યું ત્યારે તેને કેટેગરી ફોરમાં મુકાયું, પછી તેનું જોર ઘટતાં તે કેટેગરી થ્રીમાં મુકાયું હતું. હવે ઈરમા વાવાઝોડું નબળું પડીને કેટેગરી એકમાં જાહેર કરાયું છે. ૧૨મી સપ્ટેમ્બરે વાવાઝોડાની ગતિ નબળી પડીને નેવું કિ.મી.ની નોંધાઈ હતી.
વાવાઝોડું ઈરમા જ્યારે વધુ તીવ્ર હતું ત્યારે કલાકનાં ૨૯૭ કિ.મી.ની ઝડપે કેરેબિયન ટાપુઓ પર ફરી વળ્યું હતું. જેમાં બાર્બુડા, એન્ટિગુઆ, સેન્ટ માર્ટિન, પ્યુઅર્ટો રિકો જેવા નાના ટાપુઓ પરનું ૯૦ ટકા બાંધકામ અને મકાનો પત્તાનાં મહેલની જેમ તૂટી ગયા હતા. ક્યૂબા અને હૈતીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈન્કિ રિસર્ચનાં જણાવ્યા મુજબ વાવાઝોડાને કારણે અમેરિકા અને કેરેબિયન દેશોને રૂ. ૮,૦૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.