સાન ફ્રાન્સિસ્કો: આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે. તેઓ હાલ અમેરિકાનાં પ્રવાસે છે. તેમણે ભારતીય સમુદાય સાથેની વાતચીતમાં ઉપર મુજબ જણાવ્યું હતું.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં જ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન મોદીએ અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનાં નિર્ણય વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાતચીત શરૂ કરવા સંમતિ દર્શાવી હતી. આ સંદર્ભમાં અમે અહીંની સરકાર સાથે વાતચીત કરવાનાં મુદ્દાને પ્રાથમિકતા આપી છે. તે માટે હું અહીં આવી છું મારે આઇએમએફ તેમજ વર્લ્ડ બેન્ક સાથે પણ વાત કરવાની છે. હું નાણાંપ્રધાનને પણ મળવાની છું. આ સંદર્ભમાં જ અમે અમેરિકાની સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.
વાતચીતનો હેતુફક્ત રેસિપ્રોકલ ટેરિફને લગતો જ નથી અમેરિકા અને ભારત દ્વિપક્ષીય વેપાર કરાર કરવાનો છે જે એક રીતે જોઈએ તો મુક્ત વેપાર કરાર છે. અમે કરારને બે તબક્કામાં પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. આમ અમેરિકા સાથે વાતચીતનો હેતુ ફક્ત રેસિપ્રોકલ ટેરિફને લગતો જ નથી પણ એક મોટો વેપારી ભાગીદારી સોદો હશે. જેમાં પરસ્પરનાં હિતને ધ્યાનમાં રખાશે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ જેથી આ વર્ષે શરદ ઋતુ પહેલા કરારનાં પહેલા તબક્કા પર હસ્તાક્ષર કરી લેવામાં આવશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત અને ચીન સહિત કેટલાક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવી હતી પણ પછી ચીન અને હોંગકોંગ સિવાય અન્ય દેશો પર તેનો અમલ 90 દિવસ મુલતવી રાખવામાં આવ્યો હતો.