નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર ટુ પ્લસ ટુ મંત્રણા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ સામેલ થયા હતા. મંત્રણામાં સરહદે આતંકવાદ, એનએસજી સભ્યપદ, એચ૧ વિઝા, સુરક્ષા અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બન્ને દેશોએ કમ્યુનિકેશન, કમ્પેટિબિલિટી સિક્યોરિટી એગ્રીમેન્ટ (કોમકાસા) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી અમેરિકા સંવેદનશીલ સુરક્ષા ટેક્નોલોજી ભારતને વેચી શકશે.
સમુદ્રી ક્ષેત્રની આઝાદી
પોમ્પિયોએ કહ્યું બન્ને દેશોની સુરક્ષા માટે કોમકાસા કરાર મહત્ત્વપૂર્ણ છે. બન્ને પક્ષોએ સમુદ્રી ક્ષેત્રની આઝાદી સુનિશ્ચિત કરવી જોઈએ. સમુદ્રના વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં કામ કરવું જરૂરી છે. પોમ્પિયોનો ઇશારો દક્ષિણ ચીન સાગરમાં ચીનના વિસ્તારવાદી વલણ તરફ હતો. પોમ્પિયોએ બજાર આધારિત અર્થશાસ્ત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.
ઇરાનથી ઓઇલ ખરીદી અને રશિયાથી સંરક્ષણ ખરીદીના મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે કોમકાસા કરારથી ભારતીય સેનાને ફાયદો થશે. સૂત્રોએ કહ્યું કે અમેરિકા ભારત-પેસિફિક ક્ષેત્રમાં ભારતની ભાગીદારીને મહત્ત્વ આપે છે અને આ વિષય મુખ્ય રૂપે ચર્ચામાં રહ્યો હતો. ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર અમેરિકી પ્રતિબંધો અને રશિયાથી એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવાની ભારતની યોજના જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની ચર્ચા થઈ હતી.
ડોન દાઉદ સામે કાર્યવાહી
અમેરિકા ભાગેડુ આંતરરાષ્ટ્રીય અપરાધી દાઉદ ઇબ્રાહિમ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સહમત થયું છે. અમેરિકાએ છઠ્ઠીએ ભારત-અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન દાઉદ સામે કડક કાર્યવાહી માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. મુંબઈમાં ૧૯૯૩માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો મામલે ભારતીય સુરક્ષા એજન્સીઓને ઘણા વર્ષોથી દાઉદની તલાશ છે. જે પાકિસ્તાનમાં પોતાનો કાળો કારોબાર ચલાવે છે. તેની અમેરિકામાં પણ સંપત્તિઓ છે. અમેરિકી વિદેશ મંત્રાલયનો એક અધિકારીએ કહ્યું કે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાન ખુલ્લેઆમ ફરવા દે છે તે અંગે અમેરિકા ચિંતિત છે.