વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતને છ એએચ-૬૪ ઈ અપાચે લડાકુ હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી છે. આ સોદો ૯૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. ૬૨૭૦ કરોડનો છે. પેન્ટાગોને એક નિવેદનમાં કહ્યું કે પોતાના વિસ્તારનું રક્ષણ કરવા અને પ્રાદેશિક જોખમોનો સામનો કરવામાં ભારતની ક્ષમતા વધારવા માટે હેલફાયર અને સ્ટિંગર મિસાઈલ પણ અપાશે. પેન્ટાગોને આ નિર્ણય અમેરિકન કોંગ્રેસને મોકલ્યો છે. કોઈ સાંસદ વિરોધ નહીં કરે તો આ સોદો આગળ વધશે. અમેરિકાએ આ નિર્ણય ત્યારે લીધો છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે આગામી મહિને ૨-૨ ડાયલોગ થવાનો છે.