વોશિંગ્ટનઃ અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ ૨ લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ભણતર પૂરું થયા બાદ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની દેશમાંની હાજરીને ગેરકાયદેસર જાહેર કરતી ઇમિગ્રેશન વિભાગની વિઝા નીતિ પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તત્કાળ રોક મૂકી દીધી છે. ઇમિગ્રેશન વિભાગની વિઝા નીતિ પર રોકને કારણે લગભગ ૨ લાખ ભારતીય વિદ્યાર્થીઓને તત્કાળ રાહત મળી છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો આ આદેશ અમેરિકી સ્ટેટસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન વર્સિસને આકરી વિઝા નીતિ લાગુ પાડતા અટકાવે છે. અમેરિકી સ્ટેટસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન વર્સિસની વિઝા નીતિ પ્રમાણે અમેરિકામાંથી રવાના થતાં પહેલાં જે પણ વ્યક્તિ ત્યાં ૧૮૦ દિવસ કરતાં વધારે સમય ગેરકાનૂની રીતે રહેતા હોય તો તેને બીજા ૩ વર્ષ અમેરિકામાં રહેવાની પરમિશન નથી. તે ઉપરાત અમેરિકામાં ૧ વર્ષ કરતાં વધારે સમય સુધી ગેરકાયદેસર રીતે રહેનાર વ્યક્તિને ૧૦ વર્ષ સુધી ત્યાં જતા અટકાવી શકાય છે.
અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ રોકાઈ શકશે
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ ઇમિગ્રેશન સામે વિદેશી વિદ્યાર્થીઓની દેશમાંની હાજરીને ગેરકાયદે નહીં ગણાવાઈ શકે. અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ અમેરિકામાં રોકાણ કરી શકશે તેમ છતાં પણ તેમની હાજરી ગેરકાયદેસર નહીં ગણાય. ગિલફોર્ડ કોલેજ, ધ ન્યૂ સ્કૂલ અને બીજી ઘણી કોલેજોમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આકરી વિઝા નીતિની વિરુદ્ધમાં અરજી કરી હતી જે પછી કોર્ટે વિદ્યાર્થીઓને આ રાહત આપી હતી.
કોર્ટના ચુકાદા બાદ મેયર બ્રાઉનમાં પાર્ટનર અને કેસના સલાહકાર પોલ હ્યુએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અધિકારો આપવાના છે. નવી ઇમિગ્રેશન નીતિએ બે દાયકા કરતા પણ વધારે સમયથી ચાલી આવી રહેલી ઇમિગ્રેશનની પ્રક્રિયાને ખરાબ કરી છે.
અમેરિકી ઇમિગ્રેશન વિભાગે ૯ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ એક વિઝા નીતિ લાગુ પાડી હતી. આ વિઝા નીતિ હેઠળ વિઝા અવધિ પૂર્ણ થયા બાદ અથવા ડિગ્રી પૂરી થયા બાદ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહેતા હોય તો તેમને ગેરકાયદેસર ગણવામાં આવે છે.