વોશિંગ્ટનઃ અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભારતને દેશમાંથી ચોરાયેલી ૨૦૦ સદીઓ પુરાણી કલાકૃતિઓ પરત કરીને અનોખું સૌજન્ય દાખવ્યું છે. આશરે ૧૦ કરોડ ડોલરનું મૂલ્ય ધરાવતી આ કલાકૃતિઓ આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આઠમી જૂને આ કલાકૃતિઓ ભારતને સોંપાઇ હતી. બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક વારસાને મહત્ત્વપૂર્ણ પાસું ગણાવ્યું છે.
ભારતને પરત સોંપાયેલી આ કલાકૃતિઓમાં ચેન્નઇના સિવાન મંદિરમાંથી ચોરાયેલ ઇ.સ. ૮૫૦ થી ઇ.સ. ૧૨૫૦ વચ્ચેની હિન્દુ સંત અને કવિ માનિક્કા વિચાવકરની મૂર્તિ સામેલ છે. આ મૂર્તિની કિંમત ૧૫ લાખ ડોલર આંકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કલાકૃતિઓમાં ભગવાન ગણેશની કાંસાની શિલ્પકૃતિ પણ સામેલ છે, જે આશરે ૧૦૦૦ વર્ષ જૂની છે.
ચોરાયેલી કલાકૃતિઓ ભારતને પરત આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલીક વખત સાંસ્કૃતિક વારસો બે દેશોના સંબધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. કેટલીક વખત જે કાર્યો જીવિત વ્યકિતઓ નથી કરી શકતા તે કાર્ય પ્રતિમાઓ કરી બતાવે છે.
હિન્દીમાં સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અનેક દેશોએ ભારતને ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓ પરત આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ દેશોની સરકારો અને કાયદાકીય એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાંસ્કૃતિક વસ્તુઓની ચોરી અંગે વધુ સચેત થઇ ગયા છે. ભારતને ૨૦૦ કલાકૃતિઓ પરત આપવા બદલ વડા પ્રધાન મોદીએ અમેરિકા અને તેના પ્રમુખ બરાક ઓબામાનો આભાર માન્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ ફક્ત આધુનિક સ્થળો જ જોવા માગતા નથી, પણ તેઓ સમૃદ્ધ ઇતિહાસ પણ જાણવા માગે છે. વિશ્વના લોકો ભારતની પ્રાચીન સભ્યતાને કારણે આકર્ષિત થઇ રહ્યાં છે. હવે પ્રવાસીઓ ભારતના ૫૦૦૦ વર્ષ જૂના શહેરો જોવા આવી રહ્યાં છે.