વોશિંગ્ટનઃ અમેરિકાએ ૨૦૧૮ની તુલનામાં આ વર્ષે લગભગ ૫૦ ટકાથી વધુ ભારતીયોને દેશની બહાર મોકલી દીધા છે. ટ્રમ્પ સરકારે વર્ષના શરૂઆતના છ મહિનામાં જ લગભગ ૫૫૦ ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે રહેતા હોવાનું કહીને હાંકી કાઢ્યા છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૭માં આ સંખ્યા ક્રમશઃ ૭૯૦ અને ૫૭૦ રહી હતી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ૭૫૦ અન્ય ભારતીયોને અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા છે. જે સેન્ટરો અમાનવીય સ્થિતિના કારણે નિશાન પર છે. અમેરિકામાંથી હાંકી કઢાયેલા ૫૫૦ ભારતીયોમાંથી ૮૦ ટકા લોકો ૨૦થી ૪૫ વર્ષથી વયના છે. જ્યારે ૭૫ ટકા લોકો પંજાબ કે ગુજરાતથી છે. આ લોકોમાં મહિલાઓ સામેલ નથી.
ઉલ્લેખનીય છે કે છ વર્ષની એક ભારતીય બાળકીનું અમેરિકા-મેક્સિકો સરહદ પાર કરતી વખતે મૃત્યુ થયું હતું. ટ્રમ્પ સરકારે વિઝા કાયદાઓમાં આકરા ફેરફાર કર્યા છે, જે પણ ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાની સંખ્યા વધવાનું એક મુખ્ય કારણ છે. બોર્ડર પેટ્રલો સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર, ૨૦૧૮માં ૮૯૯૭ ભારતીયોની અમેરિકાના દક્ષિણ પશ્ચિમી સરહદેથી ધરપકડ કરાઈ હતી. જ્યારે ૨૦૧૭માં આ સંખ્યા ૨૯૪૩ હતી એટલે કે ૨૦૧૮માં વર્ષ ૨૦૧૭ની તુલનામાં ત્રણ ગણા અપ્રવાસીઓને પકડવામાં આવ્યા હતા. આમાંથી અનેક લોકો ગુજરાત અને પંજાબ પોતાની જમીનો વેચીને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરે છે. અગાઉ એજન્ટો અનેક ભારતીયોને મેક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરસ અને અલ-સાલ્વાડોરના માર્ગેથી લઈ જતા હતા.