વોશિંગ્ટનઃ અમેરિકામાં અભ્યાસ કરવા ગયેલી એક ભારતીય વિદ્યાર્થિની રજની શ્રીનિવાસનનો વિઝા રદ કરાતા તે સેલ્ફ-ડીપોર્ટ થઈને ભારત પરત ફરી છે. આ સાથે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે વેસ્ટ બેન્કમાંથી પેલેસ્ટાઈનની મહિલા લીક્કા કોરડિયાની ધરપકડ કરી હતી, જેણે કોલંબિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈન તરફી દેખાવોમાં ભાગ લીધો હતો.
અમેરિકા અભ્યાસ કરવા ગયેલી રજનીને તેનો વિઝા રદ કરાતા ભારત પાછા ફરવું પડ્યું છે. અમેરિકાથી તેના પાછા ફરવાનો વીડિયો હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે, જેમાં રજની તેની બેગ લઈને પાછી ફરતી જોવા મળી રહી છે. રજની શ્રીવાસ્તવ કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી. તે અર્બન પ્લાનિંગમાં ડોક્ટરેટની વિદ્યાર્થિની હતી. સ્કૂલની વેબસાઈટ મુજબ તે કોલંબિયાની સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, પ્લાનિંગ એન્ડ પ્રિઝર્વેશનમાં સંશોધન કરી રહી હતી. તેણે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવીને ફુલબ્રાઈટ નેહરુ અને ઈનક્લાસ સ્કોલરશિપ સાથે હાર્વર્ડથી માસ્ટરની ડિગ્રી મેળવી છે.
અમેરિકાએ રજનીનો વિઝા પાંચ માર્ચે રદ કરી નાંખ્યો હતો. રજની પર પેલેસ્ટાઈન સમર્થક દેખાવોમાં ભાગ લેવાનો આરોપ છે. અમેરિકન ગૃહ વિભાગ મુજબ રજનીનો વિઝા પાંચ માર્ચે ‘હિંસા અને આતંકવાદની વકીલાત’ કરવાના કારણે રદ કરી દેવાયો હતો. ગૃહ વિભાગે શ્રીનિવાસનનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, હિંસા અને આતંકવાદની તરફેણ કરનારી કોઈપણ વ્યક્તિને દેશમાં રહેવા દેવાશે નહીં.
અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, તેમના દ્વારા કાર્યવાહી કરતા પહેલાં સ્વ-નિર્વાસન અથવા સ્વેચ્છાથી દેશ છોડવાથી તાજેતરમાં જ ભારત હાંકી કઢાયેલા ગેરકાયદે વસાહતીઓની જેમ અમેરિકન સૈન્ય વિમાનમાં બેસાડવામાં આવતા અને અપમાનજનક રીતે સ્વદેશ મોકલવાના જોખમથી બચી શકાય છે.