યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ વૃષણ બનાવવા માટે જરૂરી સંશોધન કરવા આર્થિક અનુદાન આપવામાં આવે છે. જો આ સંસોધન સફળ થશે તો ભવિષ્યમાં સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરીકો પણ પિતૃત્વ ધારણ કરી શકશે.
ઇરાક અને અફઘાનીસ્તાનમાં યુધ્ધ ભૂમિ પર સેવા આપતા લગભગ ૫૦,૦૦૦ સૈનિકો ઇજા પામ્યા હતા. મોટાભાગના સૈનિકોને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવના કારણે ઇજાઅો થઇ હતી. જે પૈકીના ઇરાકમાં યુધ્ધ દરમિયાન ઘાયલ થયેલા ૪૪૦ સૈનિકોની ઇજાઅો એવી હતી કે તેમને માટે પિતા બનવું અશક્ય હતું કે મુશ્કેલ હતું.
નોર્થ કેરોલાઇના સ્થિત વેક ફોરેસ્ટ ઇન્સ્ટીટ્યુટ અોફ રીજનરેટીવ મેડિસીનના વૈજ્ઞાનિકો દ્વારા ઘાયલ સૈનિકોના સ્ટેમસેલ્સનો ઉપયોગ કરીને લેબોરેટરીમાં કૃત્રીમ વૃષણ બનાવવા માટે સંશોધન થઇ રહ્યું છે. જે કૃત્રીમ વૃષણ થકી જે તે સૈનિક ખુદના શુક્રાણુઅો ઉત્પન્ન કરી પોતાના બાળકને જન્મ આપી શકશે.
બ્રિટશ આર્મીના તબીબો ઘાયલ થયેલ સૈનિકના શુક્રાણુઅો મેળવીને તેને સાચવી રાખે છે અને સૈનિકોને આર્મીમાં જોડાતા પહેલા પણ તેમના શુક્રાણુઅો સાચવવા માટે સગવડ આપવામાં આવે છે.