વોશિંગ્ટનઃ પ્રમુખપદની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ શાસનધૂરા સંભાળશે તે સાથે જ તેમના રનિંગ મેટ જે.ડી. વેન્સ ઉપપ્રમુખ બનશે. ટ્રમ્પે પોતાના પ્રવચનમાં વેન્સને અત્યંત લડાયક તેના ગણાવ્યા અને વેન્સનાં ભારતીય મૂળનાં પત્ની ઉષાને એકદમ ધ્યાનાકર્ષક અને સુંદર પત્ની તરીકે ઉલ્લેખ કર્યો હતો.
જે.ડી. વેન્સના પત્ની ઉષા હિંદુ છે અને તેમના માતા-પિતા ભારતના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાનાં છે. ઉષા ચિલુકુરીનો જન્મ સાન ડિએગો (કેલિફોર્નિયા)માં થયો છે. તેલુગુભાષી ભારતીયો વચ્ચે ઉછરેલાં ઉષાના પિતા તા આઈઆઈટી મદ્રાસના મિકેનિકલ એન્જિનિયર છે અને સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં લેક્ચરર છે. ઉષાનાં માતા લક્ષ્મી કેલિફોર્સિયા યુનિવર્સિટીમાં મોલેક્યુલર બાયોલોજીસ્ટ અને પ્રોવોસ્ટ છે. ઉષાનો પરિવાર તેલુગુભાષી છે અને 1980ના દાયકામાં આંધ્ર પ્રદેશમાંથી અમેરિકા આવ્યો હતો.
ઉષા અમેરિકામાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ભણ્યાં. આ પછી ઉષાએ યેલ યૂનિવર્સિટીથી ઈતિહાસમાં બી.એ. અને કેમ્બ્રિજમાંથી મોર્ડન હિસ્ટ્રીમાં એમફિલ કર્યું છે. કોલેજ બાદ તેમણે યેલ યૂનિવર્સિટીમાંથી લાની ડિગ્રી લીધી. ત્યારબાદ તેમણે ફિલોસોફીમાં કેમ્બ્રિજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી વકીલ અને જ્યૂડિશિયલ ક્લાર્કના રૂપમાં કામ કર્યું.
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ ઉષા અને વેન્સ પ્રેમમાં પડયાં હતાં. ઉષા ચિલુકુરી અને વાન્સે 2014માં કેન્ટકીમાં હિંદુ અને ખ્રિસ્તી એમ બંને વિધીથી લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ બાળકો છે અને તેઓ સિનસિનાટીમાં રહે છે. ઉષા હજુય હિંદુ ધર્મને અનુસરે છે જ્યારે વેન્સ ખ્રિસ્તી ધર્મપરંપરાને અનુસરે છે.
ઉષા મારી ‘આધ્યાત્મિક ગુરુ’ઃ વેન્સ
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. બંનેને સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ કરવા અપાયો હતો. અહીં વેન્સની લગન જોઈને ઉષા પ્રભાવિત થયાં હતાં. ઉષા અમેરિકાની સુપ્રીમ કોર્ટનાં વકીલ છે. વેન્સ ઉષાને પોતાના આધ્યાત્મિક ગુરુ કહે છે. તેઓ કહે છે કે, ઉષા એ સવાલોને પણ સમજી જાય છે જેને હું પણ જાણતો હોતો નથી.
સ્ટોરમાં કેશિયરથી વાઇસ પ્રેસિડેન્ટ પદ સુધી
17 વર્ષની ઉંમરે વેન્સે સ્થાનિક ગ્રોસરી સ્ટોર ડિલમેન ફૂડ્સમાં કારકિર્દીની પ્રથમ નોકરી કરી હતી. ત્યાર પછી 2003માં અમેરિકાના નૌકાદળમાં મરીન જર્નલિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીં ચાર વર્ષ નોકરી કર્યા પછી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી બીએ અને યેલ લો યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી. ત્યાર પછી કાયદા કારકૂન અને કોર્પોરેટ વકીલ તરીકે કામ કર્યું. વેન્ચર કેપિટલિસ્ટ બન્યા. 2018માં સેનેટ માટે પ્રથમ રાજકીય શરૂઆત કરી. હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.