ન્યૂ યોર્કઃ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તરીકે ફરજ બજાવી રહેલા ભારતીય મૂળના ૪૮ વર્ષીય પ્રીત ભરારાને ૧૧ માર્ચે તેમના પદેથી હાંકી કઢાયા હતા. તેના એક દિવસ અગાઉ એટર્ની જનરલ જેફ સેશન્સે અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા દ્વારા નિમાયેલા ભરારા સહિતના ૪૬ એટર્નીને રાજીનામાં ધરી દેવા આદેશ કર્યો હતો. ભરારાએ પોતે તેમની કારકિર્દીના સન્માનજનક હોદ્દા પર હોવાથી રાજીનામું આપવાનો ઈનકાર કરતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ‘શેરિફ ઓફ વોલ સ્ટ્રીટ’ તરીકે જાણીતા ભરારા આખા દેશમાં એક માત્ર ભારતીય અમેરિકી એટર્ની હતા. ભરારા ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત માટે જાણીતા હતા.
તેમને હાંકી કઢાયા તે દિવસે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જે ક્ષણે તેમને હાંકી કઢાયા તે અગાઉ તેમણે રાજીનામું આપ્યું ન હતું. અન્ય ૪૮ એટર્નીએ અગાઉ જ રાજીનામાં આપી દીધા હતા.