ન્યૂ યોર્કઃ અમેરિકાનું બેન્કિંગ સંકટ દિન પ્રતિદિન ગંભીર બની રહ્યું છે. સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક નબળી પડ્યાના અહેવાલો પછી ત્રણ જ મહિનામાં વધુ એક બેન્ક કાચી પડી છે. અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિક બેન્કની આર્થિક સ્થિતિ લથડી હતી અને તેના શેરોમાં કડાકો નોંધાયો હતો. જોકે બાદમાં નિયમનકર્તાઓએ આર્થિક કટોકટીમાં મૂકાયેલી બેન્કનું વેચાણ જેપી મોર્ગન ચેઝને કરાયું હોવાની જાહેરાત કરતાં રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઇસી)એ જણાવ્યું હતું કે સોમવારથી આઠ રાજ્યમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કની 84 શાખા જેપી મોર્ગન ચેઝ બેન્ક તરીકે ખૂલી હતી. હવે થાપણદારો તેમની સંપૂર્ણ રકમ પાછી મેળવી શકશે.’ એફડી-આઇસીએ શેરબજાર ખૂલતાં પહેલાં વીકેન્ડમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કને સંકટમાંથી બચાવવાનો માર્ગ શોધતાં વધુ આર્થિક નુકસાન અટક્યું હતું.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફર્સ્ટ રિપબ્લિક બેન્ક વેચાઈ ના હોત તો યુએસમાં એક જ મહિનામાં ડૂબનારી આ ત્રીજી બેન્ક હોત. શુક્રવારે ન્યૂ યોર્ક શેરબજારના ટ્રેડિંગમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કના શેરોમાં 54 ટકાનો કડાકો બોલ્યો હતો. બેન્કના શેર આ વર્ષે 97 ટકા તૂટ્યા છે. 11 બેન્કોના એક સમૂહે માર્ચમાં ફર્સ્ટ રિપબ્લિક બેન્કમાં 30 બિલિયન ડોલર જમા કર્યા હતા જેથી સમાધાન કરવા સમય મળે. આ પછી જેપી મોર્ગન ચેઝ, સિટીગ્રૂપ, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ કાર્ગો, ગોલ્ડમેન સાક્સ અને મોર્ગન સ્ટેન્લીએ નબળી પડેલી રિપબ્લિક મુદ્દે મંત્રણા શરૂ કરી હતી.