લંડનઃ જૂના પાસપોર્ટ ધરાવતા લાખો બ્રિટિશ નાગરિકોને ચેતવણી અપાઈ છે કે આતંકવાદની ચિંતાને લઈને અમેરિકાએ બનાવેલા નવા સુરક્ષા નિયમોને પગલે તેમને ત્યાં પ્રવેશ મળશે નહીં. નવા નિયમ મુજબ અમેરિકા જતા યુકે સહિતના વિઝા વેઈવર પ્રોગ્રામ (VWP) હેઠળના દેશોના મુસાફરો પાસે ઈલેક્ટ્રોનિક ચીપ ફીટ કરેલો ઈ-પાસપોર્ટ હોવો જરૂરી છે. પહેલી એપ્રિલથી અમલી ફેરફારની જાણના અભાવે કેટલાંક બ્રિટિશરો ઝડપાયા હતા અને તેમને અમેરિકામાં પ્રવેશ અપાયો નહોતો.
ઓક્ટોબર ૨૦૦૬થી અમલી ઈ-પાસપોર્ટ ૧૦ વર્ષ માટે માન્ય છે. આ નવા નિયમની અસર એપ્રિલ અને ઓક્ટોબર ૨૦૦૬ વચ્ચે ઈસ્યુ થયેલા પાસપોર્ટ ધરાવનારા બ્રિટિશ નાગરિકોને જ થશે. જોકે, દર વર્ષે છ મિલિયન પાસપોર્ટ ઈસ્યુ થતા હોવાથી આ ફેરફારની અસર ત્રણ મિલિયન બ્રિટિશરોને થશે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિઝા વેઈવર પ્રોગ્રામ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ટેરરિસ્ટ ટ્રાવેલ પ્રિવેન્શન એક્ટ, ૨૦૧૫ પસાર થયા પછી તેની પોતાની અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશન (Esta) વેબસાઈટો પર આ અંગે માહિતી મૂકાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે જે અરજદારોના પાસપોર્ટ મુસાફરી માટે માન્ય રહ્યા નહોતા તેમને CBPએ ઈ-મેઈલથી જાણ કરી હતી.