વોશિંગ્ટન: ક્રિસમસનું પાવન પર્વ અમેરિકન ઉદ્યોગો માટે ખરેખર સાન્તા ક્લોઝ બનીને આવ્યું છે. અમેરિકનોએ આ વખતની હોલિડે સીઝનમાં ઓનલાઈન શોપિંગમાં 222.1 બિલિયન ડોલર ખર્ચ્યા હોવાનું ન્યુ એડોબ એનાલિટિક્સ ડેટા જણાવે છે. મજબૂત ગ્રાહક માગના લીધે ઓનલાઈન વેચાણની વાર્ષિક વૃદ્ધિમાં અપેક્ષા કરતાં થોડો વધુ 4.9 ટકાનો વધારો નોંધાવવામાં મદદ કરી હતી.
એડોબ ડિજિટલ ઈનસાઈટ્સના અગ્રણી એનાલિસ્ટ વિવેક પંડ્યાએ જણાવ્યું હતું કે થેન્ક્સગિવિંગ અને સાઈબર મન્ડેની વચ્ચેના દિવસો દરમિયાન મોટાપાયા પર ખરીદી થતી જોવા મળી હતી. જ્યારે બાકીના સમયગાળા દરમિયાન માંગ સ્થિર રહી હતી. પંડ્યાએ જણાવ્યું હતું કે મારું માનવું છે કે ગ્રાહકોએ આ સિઝનમાં અત્યંત વ્યૂહાત્મક અને ખર્ચ અસરકારક રીતે ખરીદી કરી હતી. આ વખતના ઓનલાઈન લેન્ડસ્કેપમાં જોઈએ તો તેમાં રિટેલ સેકટરમાં સારું એવું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. ગ્રાહકોને આ વખતે નોંધપાત્ર ડિસ્કાઉન્ટનો ફાયદો મળ્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ ડિસ્કાઉન્ટમાં જોઈએ તો આ વર્ષે ભાવમાં 31 ટકા ડિસ્કાઉન્ટ જોવા મળ્યું છે. જ્યારે 2022માં આ કેટેગરીમાં 25 ટકા ડિસ્કાઉન્ટ હતું, એમ એડોબે જણાવ્યું હતું.