અમેરિકામાં 'સુપર ટયૂઝડે': ટ્રમ્પ અને હિલેરી ૭-૭ રાજ્યોમાં જીત્યા

Thursday 03rd March 2016 06:49 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી તો છેક નવેમ્બરમાં યોજાવાની છે, પણ તેના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયાએ દેશભરમાં ઉત્તેજનાનો માહોલ સર્જ્યો છે. રાજકીય પક્ષોએ પોતાની ઉમેદવારી કોને સોંપવી એ માટે પહેલી માર્ચના રોજ 'સુપર ટયૂઝડે' દરમિયાન ૧૨ રાજ્યોમાં ચૂંટણીઓ યોજી હતી. આ ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન બંનેએ ૭-૭ રાજ્યોમાં જીત સાથે સરસાઇ જાળવી છે.
રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાર ઉમેદવારો મેદાનમાં હતા જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી બર્ની સેન્ડર્સ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે જંગ હતો. હિલેરી-ટ્રમ્પની આ જીત બાદ અમેરિકાવાસીઓ અટકળો લગાવી રહ્યાં છે કે પ્રમુખ પદ માટેનો ફાઇનલ જંગ પણ આ બે વચ્ચે જ રહેશે.
પોતાની કટ્ટરવાદી વિચારધારાને કારણે અન્ય પ્રતિસ્પર્ધીઓની નિંદાનો ભોગ બની ચૂકેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાત રાજ્યો - અલાબામા, આર્કાન્સાસ, જ્યોર્જિયા, મેસેચ્યુસેટ્સ, ટેનેસી, વેરમોન્ટ અને વર્જિનિયામાંથી જીત મેળવી છે જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને સાત પ્રાઇમરી - અલાબામા, આર્કાન્સાસ, જ્યોર્જિયા, મેસેચ્યુસેટ્સ, ટેનેસી, ટેક્સાસ અને વર્જિનિયામાંથી જીત મેળવી છે. જોકે ક્લિન્ટન અને ટ્રમ્પ બંને, જે પ્રમાણે ચૂંટણી વિશેષજ્ઞો અંદાજ લગાવી રહ્યા હતા તે રીતે, ક્લિનસ્વીપ જેવી સિદ્ધિ મેળવી શક્યાં નથી.
રિપબ્લિકન પક્ષની વાત કરીએ તો ટેડ ક્રૂઝે સુપર ટયૂઝડેના દિવસે ટેક્સાસમાંથી બાજી મારી હતી. આ સિવાય તેમણે ઓકલાહોમામાંથી પણ જીત મેળવી છે. રિપબ્લિકન માર્કો રુબિયોને પણ પોતાના ૨૦૧૬ના ચૂંટણી અભિયાનની પહેલી જીત મિનેસોટામાંથી મળી છે જ્યારે ડેમોક્રેટ્સની વાત કરીએ તો ક્લિન્ટનના મુખ્ય પ્રતિસ્પર્ધી બર્ની સેન્ડર્સે ચાર રાજ્યોમાં જીત મેળવી છે. સેન્ડર્સ કોલોરાડો, ઓકલાહોમા, મિનેસોટા અને તેમનાં હોમ સ્ટેટ વેરમોન્ટમાં જીત મેળવવામાં સફળ રહ્યા છે.
૬૯ વર્ષીય ટ્રમ્પ આ સ્પર્ધામાં રિપબ્લિકન ઉમેદવાર બનવાની નજીક પહોંચી ગયા છે. ટ્રમ્પ વ્યવહાર પણ એવી રીતે કરી રહ્યા છે કે જાણે તેઓ રિપબ્લિકન ઉમેદવાર બની ગયા હોય. તેમણે ફ્લોરિડામાં કહ્યું, 'એક વાર આખી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે હું એક વ્યક્તિની પાછળ પડી જઈશ. આ વ્યક્તિ છે હિલેરી ક્લિન્ટન.' ઘણી જીત મેળવ્યા બાદ સેન્ડર્સથી આગળ જોવા મળતાં ક્લિન્ટને મિયામીમાં ટ્રમ્પના 'વન અમેરિકા ગ્રેટ અગેઇન' સૂત્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'અમેરિકાને મહાન બનતાં રોકી શકાય તેમ નથી. આપણે અમેરિકાને પૂર્ણ બનાવવાનું છે.'

કેવી રીતે આગળ રહ્યાં ક્લિન્ટન અને ટ્રમ્પ
• પ્રમુખ પદની ચૂંટણીમાં નોમિનેશન માટે ડેમોક્રેટ્સને ૧,૮૩૯ ડેલિગેટ્સની જરૂર હોય છે. ક્લિન્ટને અત્યાર સુધીમાં ૮૭૩ જીત્યા છે જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી સેન્ડર્સએ ૨૯૬ પર જીત મેળવી છે.
પ્રમુખ પદની ચૂંટણીમાં નોમિનેશન માટે રિપબ્લિકનને ૧,૨૩૭ ડેલિગેટ્સની જરૂર છે, જે પૈકી સુપર ટયૂઝડેમાં ૬૦૦ ડેલિગેટ્સે વોટિંગ કર્યું હતું. ટ્રમ્પે અત્યાર સુધીમાં ૨૫૧ જીત્યા છે જ્યારે ક્રૂઝે ૧૧૪ પર જીત મેળવી છે.

કયા રાજ્યોમાં 'સુપર ટયૂઝડે' વોટિંગ?
અમેરિકાના પ્રાઇમરી અને કોકસ મળીને કુલ ૧૨ રાજ્યોમાં ૧ માર્ચના રોજ 'સુપર ટયૂઝડે' અતંર્ગત ચૂંટણીઓ યોજાઈ હતી. જેના પરિણામ નીચે મુજબ છે.
પ્રાઇમરી: અલાબામા, આર્કાન્સાસ, જ્યોર્જિયા, મેસેચ્યુસેટ્સ, ઓકલાહોમા, ટેનિસી, વેરમોન્ટ અને વર્જિનિયા
કોકસ (રિપબ્લિકન): મિનેસોટા, અલાસ્કા, વ્યોમિંગ
કોકસ (ડેમોક્રેટિક): કોલોરાડો

હવે ક્યાં ને ક્યારે ચૂંટણી યોજાશે ?
• ૫ માર્ચ: રિપબ્લિકન - કેન્સાસ, કેન્ટકી, મેન (કોકસ), લ્યુસિયાના (પ્રાઇમરી). ડેમોક્રેટ - નેબ્રાસ્કા (કોકસ)
• ૬ માર્ચ: ડેમોક્રેટ - મેન (કોકસ)
• ૮ માર્ચઃ રિપબ્લિકન - હવાઈ, ઇડાહો (કોકસ) તથા મિશિગન અને મિસિસિપી (પ્રાઇમરી)

ફાઈનલ ચૂંટણી ક્યારે ?
૮ નવેમ્બર, ૨૦૧૬ના યોજાનારી ચૂંટણીના આધારે અમેરિકાના પ્રમુખ નક્કી થશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter