વોશિંગ્ટનઃ અમેરિકામાં અભ્યાસ કરવા જવાનું ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગત વર્ષે અમેરિકાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભારતીયોની સંખ્યામાં ૩૨ ટકાનો વધારો થયો છે, જ્યારે તેની સામે આ સંખ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે નવ ટકા વધી છે.
સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (એસઇવીપી)એ અમેરિકામાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અંગે જાહેર કરેલા તાજેતરના અધિકૃત અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪થી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૨ ટકા વધારો થયો છે. આ દરમિયાન અમેરિકામાં આવેલા કુલ વિદ્યાર્થીઓમાં એશિયાના વિદ્યાર્થીઓની સંખ્યા જ ૭૬ ટકા હતી. ટોચના જે ૧૦ દેશોના વિદ્યાર્થીઓએ નાગરિકત્વ માગ્યું છે તેમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા, દક્ષિણ આરબ, કેનેડા, જાપાન, તાઇવાન, વિએતનામ, મેક્સિકો અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. અમેરિકામાં વિદ્યાર્થીઓની સૌથી વધુ ટકાવારી ભારત અને વિએતનામની છે. ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા ૩૧.૯ ટકા વધી છે તો વિએતનામની ટકાવારી ગત વર્ષની સરખામણીએ ૨૫.૯ ટકા થઇ છે. ટેક્સાસ રાજ્યમાં સ્કૂલોમાં ભણતાં એફએન્ડએમ વિદ્યાર્થીઓમાંથી ૨૪ ટકા તો ભારતીય છે. એ પછી ૧૭ ટકા સાથે ચીનનો ક્રમ આવે છે. અત્યારે અમેરિકામાં ચીનના સૌથી વધુ અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓ છે. એ પછી ૧,૫૦,૦૦૦ સાથે ભારતના વિદ્યાર્થીઓ છે. અમેરિકામાં ૧૫ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ભણવા માટે એફ એન્ડ એમ વિઝા મળ્યા છે.
અમેરિકામાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, ન્યૂ યોર્ક યુનિવર્સિટી, કોલમ્બિયા યુનિવર્સિટી, ધ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ અને પર્ડુ યુનિવર્સિટીમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભણે છે.
એસઇવીપીએ જણાવ્યું છે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (એસટીઇએમ)ના ક્ષેત્રોને સૌથી વધુ વિદ્યાર્થીઓ મળે છે. અમેરિકામાં ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વિષયો સાથે ભણી રહ્યા છે. સંપૂર્ણ એશિયાના વિદ્યાર્થીઓની ટકાવારી આ રીતે જોઇએ તો ૮૬ ટકા જેટલી થઇ જાય છે. એમાં પણ એન્જિનિયરિંગ સૌથી ટોચના ક્રમે છે. ભારતમાંથી આવતાં આશરે ૨૯ ટકા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં જવાનું પસંદ કરે છે.