વોશિંગ્ટનઃ અમેરિકામાં એચ વન-બી વિઝા પર કામ કરતાં વિદેશીઓના પતિ કે પત્નીને ટૂંક સમયમાં વર્કપરમિટ મળશે. આ નવા પગલાંથી હજારો ભારતીયોને ફાયદો થશે. અત્યારના કાયદા મુજબ આ વિઝાધારકોના જીવનસાથી અમેરિકામાં કામ કરી શકતાં નહોતાં.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝ ૨૬ મેથી અરજીઓ સ્વીકારશે. યુએસસીઆઈએસ દ્વારા ફોર્મ એલ-૭૬૫નો સ્વીકાર થયા પછી એચ-૪ વિઝા ધરાવતા ડિપેન્ડન્ટ્સ પતિ કે પત્નીને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ મળશે, પછી તેઓ અમેરિકામાં કામ કરી શકશે.
જેમણે રોજગાર આધારિત કાયમી વસવાટ માટે અરજી કરી છે તેવા એચ વન-બી વિઝાધારકોના એચ-૪ સ્પાઉસને વર્કપરમિટ આપવાનાં ઓબામા સરકારના નિર્ણયને અનેક વિદેશીઓએ આવકાર્યો છે. એક અંદાજ મુજબ પહેલાં વર્ષે ૧,૭૯,૬૦૦ લોકો આવી રીતે વર્કપરમિટ મેળવવા માટે પાત્ર બનશે. પછીનાં વર્ષોમાં દર વર્ષે ૫૫,૦૦૦ લોકોને આવી વર્કપરમિટ અપાશે.