ન્યૂ યોર્ક: ગુજરાતી અમેરિકન ફાલ્ગુની પટેલ નવમીએ ત્રણ વર્ષ માટે એડિસન ટાઉનશિપ સ્કૂલ બોર્ડમાં ચૂંટાઇ આવનારા ગુજરાતી મહિલા છે. ચૂંટણી પહેલાં ફાલ્ગુની અને ચીની અમેરિકન ઉમેદવાર જેરી શીને મેલ સંદેશાઓમાં બદનામ કરાયા હતા. તેમના વિશે લખાયું હતું કે, ભારતીયો અને ચીનાઓ આપણા શહેર પર કબજો કરી લેશે. ચાલુ મહિનાની શરૂઆતમાં એશિયન-અમેરિકનોને નિશાન બનાવીને પરદેશી વિરુદ્ધ અણગમો વ્યક્ત કરતાં લખાણો ધરાવતાં ચોપાનિયાં ન્યૂ જર્સી શહેરના અનેક નાગરિકોને ટપાલમાં મોકલાયા હતા. પરિણામે સમુદાયોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ‘એડિસનને ફરીથી મહાન બનાવો’ના શીર્ષક સાથેના બેનરો અને ચોપાનિયાઓમાં ફાલ્ગુની અને જેરી શીને અમેરિકામાંથી હાંકી કાઢવા હાકલ કરાઈ હતી. થોમસ આલ્વા એડિસન પરથી આ શહેરનું નામ રખાયું હતું અને ન્યૂ જર્સીના આ વિકસિત શહેરમાં ભારતીય અમેરિકનોની નોંધપાત્ર વસ્તી છે.