વોશિંગ્ટનઃ સ્ટેટ ઓફ યુનિયનમાં પ્રથમ સંબોધનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા સંતુલિત વ્યાપાર કરવા માટે કટિબદ્ધ દેશની સાથે નવા વ્યાપાર કરાર કરવા માગે છે. ટ્રમ્પે સાથે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બન્ને પક્ષોને એક થઇને દેશના હિતોમાં યોગદાન આપવાનું આહવાન પણ કર્યું હતું. પોતાના ૮૦ મિનિટના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હવે એ સમય આવી ગયો છે કે મેરિટ આધારે ઇમિગ્રેશન સિસ્ટમને વિકસાવવામાં આવે અને પ્રોત્સાહન આપવામાં આવે. આ એવી પદ્ધતિ છે કે જે લોકો સ્કિલ્ડ એટલે કે કુશળ કામદારો છે તેમને નોકરી કે ધંધા માટે પહેલા વિઝા આપવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જે લોકો પોતાના કામમાં હોશિયાર છે, જેઓ અમારા દેશમાં આવીને કામ કરવા માગે છે અને આ દેશના હિત અને વિકાસમાં ભાગીદાર થવા માગે છે અને આ દેશના નાગરિકો અને દેશને પ્રેમ કરે છે તેઓનું સ્વાગત છે, પરંતુ તેમના પરિવારજનો કે મિત્રો કે જેમના લીધે દેશને ફાયદો ન થતો હોય તો તેમનું દેશ સ્વાગત કરવામાં ઓછો ઉત્સાહ રાખી શકે છે.
અમેરિકામાં દર વર્ષે ધ સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસનું આયોજન કરવામાં આવે છે. જેને કોંગ્રેસનું જોઇન્ટ સેશન પણ કહેવામાં આવે છે.
જ્યાં અમેરિકાના પ્રમુખ દર વર્ષે સંબોધન આપે છે અને દેશની વર્તમાન અને ભાવી સ્થિતિ અંગે વાત કરે છે. ટ્રમ્પે એક તરફ તો મેરિટના આધારે એટલે કે કુશળ વિદેશીઓને આવકારવાની તૈયારી દર્શાવી છે જ્યારે બીજી તરફ ચેઇન માઇગ્રેશનને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો.