અમેરિકામાં ભારતવંશી અને વિશેષમાં ગુજરાતીઓ પર હુમલા તથા તેમની હત્યા ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં વધારો થયો છે. નોર્થ કેરોલિનામાં વસતા એક ગુજરાતી દંપતીના ફૂડ સ્ટોરમાં એક બુકાનીધારી શખસ બંદૂક સાથે ધસી આવ્યો હતો અને તે લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ સીસીટીવી કેમેરામાં તેના ફૂટેજને આધારે તેને શોધી રહી છે. નોર્થ કેરોલિનાના ગેસ્ટોનિયામાં બકી પટેલ અને સંજય પટેલ જેકબ્સ ફૂડ માર્ટનો બિઝનેસ કરે છે. બકી પટેલ ૧૯ ઓગસ્ટે રાત્રે ૮.૫૦ કલાકે સ્ટોરમાં એકલા જ હતા ત્યારે આ લૂંટારુ આવ્યો હતો. તેણે તરત જ ડ્રોઅરમાં પડેલા ૧૩૦૦ ડોલર આપવા ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ ડ્રોઅરની જાણ મોટાભાગના ગ્રાહકોને હોતી નથી. તેથી આ લૂંટારું કોઈ જાણભેદુ હોવાની તેમને શંકા છે.