હ્યુસ્ટન: અમેરિકામાં ગુજરાતી બિઝનેસમેન હસમુખ પટેલના હત્યારા ક્રિસ્ટોફર યંગ (૩૪)ને ટેક્સાસ પ્રાંતમાં ફાંસી અપાઇ છે. જોકે, હસમુખ પટેલના પુત્રએ ક્રિસ્ટોફર માટે ક્ષમાદાનની અપીલ કરી હતી. ક્રિસ્ટોફરે ૨૦૦૪માં ટેક્સાસના સાન એન્ટોનિયો સ્થિત હસમુખ પટેલ (૫૦)ના મિની માર્ટ એન્ડ ડ્રાય ક્લીનર સ્ટોરમાં લૂંટફાટ દરમિયાન તેમને ગોળી મારી તેમની હત્યા કરી હતી. આ મામલે એક સ્થાનિક કોર્ટે ૨૦૦૬માં ક્રિસ્ટોફરને મોતની સજા સંભળાવી હતી. ક્રિસ્ટોફરના સંબંધીઓ અને વકીલોએ તેને ક્ષમાદાન અપાવવા ગયા મહિને એક અભિયાન શરૂ કર્યું હતું.
હસમુખ પટેલના પુત્ર મિતેશે (૩૬) પણ તેનું સમર્થન કર્યું હતું પરંતુ ટેક્સાસ બોર્ડ ઓફ પાર્ડન એન્ડ પેરોલે આ અપીલ ફગાવી દીધી હતી. ત્યાર બાદ ક્રિસ્ટોફરને ફાંસી આપી દેવાઇ હતી. મિતેશે અપીલમાં કહ્યું હતું કે, 'ક્રિસ્ટોફરને ફાંસી આપવાથી કોઇ હકારાત્મક અસર નહીં પડે. મેં અને તેણે બહુ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું. હું તેની દીકરીથી તેના પિતા છીનવાય તે નથી જોઇ શકતો.' ક્રિસ્ટોફરના ક્ષમાદાન માટેની અપીલ પર ૨૩ હજાર લોકોએ સહી કરી હતી.