આગામી વર્ષના પ્રારંભથી અમલી બનનારી આ યોજનામાં ગેરકાયદે વસાહતીઓને ૩ વર્ષ સુધી દેશનિકાલની પ્રક્રિયામાંથી મુક્તિ અને અમેરિકામાં કાયદેસર કામ કરવાનો અધિકાર અપાશે. આ યોજનાનો લાભ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતાં ૪૦ લાખ જેટલાં લોકોના ગેરકાયદે રહેતાં માતા-પિતા અને ૧૬ વર્ષની ઉંમર પહેલાં અમેરિકામાં આવીને વસેલાં ગેરકાયદે વસાહતીઓને મળશે.
ઓબામાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી અમેરિકામાં વસવાટ કરતા તમામ ગેરકાયદે વસાહતીઓ અને અમેરિકી નાગરિક હોય તેવું બાળક ધરાવતાં ગેરકાયદે વસાહતી અથવા તો લીગલ પરમેનન્ટ રેસિડેન્ટ ૩ વર્ષની વર્કપરમિટ માટે અરજી કરી શકશે. અમેરિકી રાષ્ટ્રપતિએ ૧૬ વર્ષની ઉંમર પહેલાં અમેરિકા આવીને વસેલા યુવા ગેરકાયદે વસાહતીઓને હંગામી રેસિડેન્સી પૂરી પાડતી યોજનાને વ્યાપક બનાવી છે.