ન્યૂ યોર્કઃ અમેરિકામાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં ભટકી ગયેલા બે ભારતીયોની એરિઝોનાની અમેરિકા-મેક્સિકો સરહદે ધરપકડ કરી લેવામાં આવી હતી. એક શીખ સહિત બે જણાએ ભટકી ગયેલા લોકોની મદદ માટે આંતરિયાળ વિસ્તારમાં મૂકેલી ટેકનોલોજીની સહાયથી મદદ માગી હતી. એજો બોર્ડર પેટ્રોલ સ્ટેશને યુએસ બોર્ડર પેટ્રોલે મૂકેલી મદદ માટેની બીકોનથી ૧૭મીએ તેઓ શોધી શકાયા હતા. એરિઝાનાના લ્યુકેવિલે પોર્ટ ઓફ એન્ટ્રીથી ૧૪ માઇલ ઉત્તર પશ્ચિમે બચાવ માટેની બીકોનનો ઉપયોગ કર્યો હતો.
પકડાયેલા બંને જણા સ્વસ્થ્ય હતા અને તેમણે સારવાર માટે કોઇ વિનંતી કરી નહોતી, એમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકશને એક નિવેદનમાં કહ્યું હતું. બંને સામે કાર્યવાહી કરવા સ્ટેશને લઇ જવાયા હતા જ્યાં તેમના રેકોર્ડ તપાસતા ખબર પડી કે તેઓ ભારતીય છે અને અમેરિકામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા હતા.
યુએસ એજન્સીએ કહ્યું હતું કે અનેક વખતે ગુંડા ટોળકીઓ ઘુસણખોરોને અહીં મૂકી જાય છે. પરિણામે દર વર્ષે અનેક લોકો મરી જાય છે. યુએસ બોર્ડર પેટ્રોલ આવા લોકો ને મદદ માટે ૯૧૧ પર ફોન કરવા અથવા રેસ્કયુ બીકોન દબાવવા પ્રોત્સાહિત કરે છે.