મિનીસોટાની એક હોસ્પિટલમાં ફાર્મસી તરીકે કામ કરતી પટેલ મહિલાના ઘરે અચાનક ફોન અાવે કે તમે ટેક્સ ભર્યો નથી એટલે તમારા પતિની ધરપકડ કરવા પોલીસ અાવી રહી છે. સાયન્ટીસ પતિ મિટીંગમાં બીઝી હોવાથી સંપર્ક થઇ શકતો નથી, મહિલાએ એપ્રિલમાં જ ટેકસ ભરી દીધો હોવા છતાં FBIની ધમકી સાંભળી, દર દશ મિનિટે ફોન કરનારને કયાં ટેક્સનો દંડ ભરવો એ પૃછા કરતાં પેલાએ નજીકના સ્ટોરમાથી "મનીપેક કાર્ડ" લઇ વાયરથી $૪૦૦૦ ભરવા જણાવ્યું. (અમેરિકામાં વિવિધ સ્ટોર્સ, ફાર્મસી સ્ટોર, મોટેલ અન્ય કોઇ પણ સાર્વજનિક જગ્યાએ મનીપેક કાર્ડ્સ મળે છે.) મહિલા બે દીકરાઅોને ઘરમાં મૂકી ભાગતી નજીકના સ્ટોરમાં પૈસા ભરપાઇ કરી અાવી ત્યાં અધવચ્ચે રસ્તામાં ફરી ફોન અાવ્યો "તેં દંડ ભર્યો કે નહિ? અમે તારે ઘરે બેઠા છીએ અને બેબી સીટીંગ કરીએ છીએ". ભયભીત થયેલી એ મહિલા ફોનમાં વાર્તાલાપ કરતી નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગઇ, ત્યાં પોલીસ સાથે એ શખ્સે પાંચ મિનિટ વાત કરતાં ખબર પડી કે અા ફ્રોડ છે પરંતુ એ પહેલાં તો મહિલાના બેંક ખાતામાંથી ડોલર ટ્રાન્સફર થઇ ગયા હતા. અમેિરકાના દરેક સ્ટેટમાં રહેતા ઘણા ગુજરાતીઅો અાવા બનાવટી ફ્રોડના શિકાર બન્યા છે.
આવા પ્રકારના ધમકીભર્યા ફોન કરીને લોકો પાસેથી 5.8 મિલિયન ડોલર ખંખેરી લેવાનો આરોપ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફીયામાં રહેતા બે પટેલો પર લાગ્યો છે. સ્થાનિક કોર્ટમાં આ અંગેના દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે.
ફિલાડેલ્િફયાના અખબાર ફિલી.કોમના અહેવાલ અનુસાર, 30 વર્ષીય અલ્પેશકુમાર પટેલ અને 39 વર્ષીય વિજયકુમાર પટેલ પર ન્યૂજર્સી કોર્ટમાં ખંડણીને લગતાં વિવિધ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. બંને પટેલોએ આ કૌભાંડ સપ્ટેમ્બર 2013થી માર્ચ 2014 વચ્ચે આદર્યા હતા. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર અલ્પેશકુમાર અને વિજયકુમાર પટેલ વચ્ચે કોઇ સંબંધ નથી. લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે આ લોકો ગ્રીન ડોટ નામક રિલોડેડ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા, જે અન્ય કોઇ વ્યક્તિના નામે રજિસ્ટર્ડ હતા.
કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓ ફોન કરીને લોકોને ધમકાવતા અને તેમને 'મનીપેક કાર્ડ્સ'માં ડોલર જમા કરાવવા કહેતા. મનીપેક કાર્ડ્સમાં રૂપિયા જમા થયા બાદ પટેલ તેનો કોડ મેળવી ડોલરને પોતાના ગ્રીનડોટ કાર્ડ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા.
બાદમાં આરોપીઓ તે કાર્ડનો ઉપયોગ મની ઓર્ડર ખરીદી પોતાના બેન્ક એકાઉન્ટમાં ડોલર જમા કરાવી દેતા. ફરિયાદ અનુસાર, પૈસાની ઉઠાંતરી એટલી ઝડપી થતી કે પીડિત વ્યક્તિ પોતાનું ટ્રાન્ઝેક્શન રદ્દ કરે અને છેતરનારને ઓળખે ત્યાં સુધીમાં રૂપિયા મનીપેક કાર્ડ્સમાંથી ગાયબ થઇ જતા. અલ્પેશ પટેલ અને વિજય પટેલ લગભગ 2500 જેટલાં ગ્રીનડોટ કાર્ડ્સ થકી લોકો પાસેથી 5.8 મિલિયન ડોલર્સ ખંખેર્યા છે.
કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અનુસાર, જ્યારે ન્યૂજર્સીના રિટેઇલ સ્ટોરના મનેજરને બોમ્બ મૂક્યાની ધમકી અાપી ૫૦૦૦ ડોલરની માગણી કરતાં અા કૌભાંડ પકડાયું હતું. મેનેજરે 500 ડોલરવાળા મનીપેક કાર્ડનો કોડ ધમકીઆપનારને આપ્યો ત્યાર બાદ પોલિસ ઘટના સ્થળે હાજર થઇ ગઇ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, આ રકમ તરત જ એક ગ્રીનડોટ કાર્ડમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી છે. તે ગ્રીનડોટ કાર્ડ ફિલાડેલ્ફિયાના એક ફાર્મસી સ્ટોર્સમાંથી ખરીદવામાં આવ્યું હતું. તે ફાર્મસી સ્ટોરના વિવિધ સર્વેલન્સ વીડિયોની ચકાસણી કરતાં માલૂમ પડ્યું કે, તે ગ્રીનડોટ કાર્ડની ખરીદી થઇ ત્યારે અલ્પેશકુમાર પટેલ સ્ટોરમાં હાજર હતો. અન્ય એક સર્વેલન્સ વીડિયો ફૂટેજમાં અન્ય આરોપી વિજયકુમાર પટેલ ગ્રીનડોટ કાર્ડથી મની ઓર્ડ્સ ખરીદતા નજરે પડે છે.
કોર્ટમાં રજૂ થયેલ દસ્તાવેજો અનુસાર, આ બંને આરોપીઓ વિવિધ સ્ટોર્સમાંથી ગ્રીનડોટ કાર્ડ્સની ખરીદી કરતાં તથા તેનાથી મનીઓર્ડર ખરીદતા નજરે પડે છે. વળી, તે પૈકીના મોટાભાગના ગ્રીનડોટ કાર્ડમાં ધાકધમકીથી જ રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. બંને આરોપીઓના ફોનમાં ગ્રીનડોટ કાર્ડ્સ, મની ઓર્ડર અને બેન્કના ખાતામાં રકમ જમા કરાવવાની વિગતોને લગતાં અઢળક મેસેજો છે.