ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા એક પાટીદારે ભાડૂતી લૂટારો રોકી પોતાનો જ પેટ્રોલપંપ લૂટવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ પોલીસને આ અંગે ખબર મળતાં આયોજન શક્ય બન્યું ન હતું. ૪૦ વર્ષીય પરેશ આર. પટેલે શા માટે આવું કૃત્ય વિચાર્યું તેના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ માસારયૂસેરસના સેન્ડવીચ ટાઉનમાં શેલનો પેટ્રોલપંપ ધરાવતા પરેશભાઈએ ૧૫૦૦ ડોલર આપીને એક શખસને આ કામ સોંપ્યું હતું અને રમકડાની પિસ્તોલ વડે પોતાનો પેટ્રોલપંપ લૂંટવાનું કહ્યું હતું.
આ કાવતરું અમલમાં આવે તે અગાઉ જ પોલીસને આ અંગે જાણ થતાં જ તે પકડાઈ ગયો હતો. પોલીસે આ બંનેની વાતો રેકોર્ડ કરી હોવાનું જણાવ્યું હતું.
પરેશ પટેલ પર સશસ્ત્ર લૂટનું કાવતરું ઘડવાના આરોપ છે, જો તેઓ દોષિત ઠરશે તો તેને ૧૫ વર્ષની સજા થઈ શકે છે. કાઉન્ટી જેલે તેને ૫૦૦૦ ડોલરના જામીન પર છોડ્યો છે.
પોલીસે આ કેસમાં ખાસ પ્રકારના સાધનથી બંનેની વાતચીત રેકોર્ડ કરી હતી જેમાં ક્યારે લૂટ કરવી, શું બોલવું તેમ જ નાણાં ક્યારે આપવા વગેરે વાત રેકોર્ડ થયેલી છે. પૂછપરછ દરમિયાન પરેશે પોલીસ સમક્ષ પોતે લૂટનું કાવતરું ઘડયાનું કબૂલ કર્યું હતું. આમ કરવાનું કારણ હજી અસ્પષ્ટ છે.