ન્યૂ યોર્કઃ અમેરિકામાં પાળતું પોપટ રાખનારા લોકો માટે નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતાં શીખવાયું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલો પોપટ ટચ સ્ક્રીનવાળા ટેબલેટ પરથી મિત્ર પોપટને વીડિયો કોલ કરે છે. જંગલમાં સમુહમાં રહેતા પક્ષી શહેરોના ઘરોમાં એકલતા અનુભવે છે તેને ધ્યાનમાં રાખી આ પ્રયોગ કરાયો હતો. તાલીમબદ્ધ પોપટ ઘણા કિલોમીટર દૂર રહેલા તેમના મિત્રો સાથે વીડિયો કોલિંગથી સંપર્કમાં રહે છે. તેમને મિત્ર સાથે વાતચીત કરવાનું મન થાય છે ત્યારે તેઓ તેમની પાસે રખાયેલી ઘંટડી વગાડે છે. જેથી માલિક તેના મિત્ર પોપટને કોલ લગાડી આપે. ઘરમાં એકલતાને કારણે પાળતું પોપટ વધુ બીમાર પડતા હતાં. આ વીડિયો કોલિંગ પ્રયોગ એકલતા અનુભવતા પોપટ માટે વરદાનરૂપ સાબિત થયો છે. પોપટ તેના મિત્રો સાથે વાતચીત કરવામાં અને ગીતો ગાવામાં સમય પસાર કરી રહ્યાં છે. આ પ્રયોગમાં માલિક ફકત ટેબલેટ ઓપન કરી આપે છે. પછી પોપટ સ્ક્રીન પર રહેલા અનેક પોપટના ફોટોમાંથી એકને ચાંચ મારીને પસંદ કરીને વીડિયો કોલ કરે છે. 1,000 કલાકના પ્રયોગમાં 18 પોપટે ભાગ લીધો હતો.