ન્યૂ યોર્કઃ ન્યૂ જર્સીમાં રહેતા ૨૨ વર્ષીય ભારતીય વિશાલ શાહને પોતાના પિતાની હત્યા બદલ ૨૫ વર્ષની જેલ ફટકારાઈ છે. વિશાલે તેના ૫૩ વર્ષીય પિતા પ્રદીપકુમારની ગાળીઓ મારીને હત્યા કરી હતી. ન્યુ બ્રમસ્વિક કોર્ટમાં વિશાલને સજા સંભળાવવામાં આવી હતી.
વિશાલને આપવામાં આવેલી સજા પ્રમાણે તેને પેરોલ મળે તે પહેલાં તેની ૮૫ ટકા સજા પૂરી કરવી જ પડશે. આમ વિશાલ શાહને જામીન પણ નહીં મળે અને જેલમાં વધારે સમય સુધી રહેવું પડશે. માર્ચ ૨૦૧૮માં વિશાલે કબુલાત કરી હતી કે તેણે તેના પિતાની હત્યા કરી હતી. અગાઉ ડિટેકટિવ એમી નોબલ અને મિડલસેક્સ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસના ડેવિડ એબ્રોમેટ્ટિસે શોધી કાઢ્યું હતું કે, જૂન ૨૦૧૬માં એક સવારે વિશાલે ન્યૂ જર્સીના સાયરાવિલેના પોતાના ઘરે જ પિતા પ્રદીપકુમાર શાહને ગોળી મારી હતી અને ત્યાર પછી ગનને છુપાવી દીધી હતી. થોડા સમય પછી પ્રદીપકુમાર શાહ હોસ્પિટલમાં ગુજરી ગયા હતા.