મિશિગન: અમેરિકાનાં મિડવેસ્ટ અને સાઉથનાં રાજ્યોમાં પૂરના ભારે પ્રકોપને કારણે ૨૩ સુધીમાં ૩ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે લાખો લોકો ઘરબાર વિહોણાં થઈ ગયાં હતાં. ભારે પૂરને કારણે નદીઓનાં પાણી શહેરોમાં ફરીવળતાં હજારો મકાનો અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું. હજારો લોકોને આશરો લેવા સલામત સ્થળે ખસેડાયાં હતાં. નોર્ધન ઈન્ડિયાના, સધર્ન મિશિગન, ઇલિનોઇસ, ઓહાયો અને અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે તેમજ બરફ ઓગળવાથી નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં અને સ્થિતિ કફોડી બની હતી. સેન્ટ્રલ અને સધર્ન અમેરિકામાં ટેક્સાસથી લઈને મિશિગન સુધી ૩ કરોડ લોકોને પૂરની અસર થવાની શક્યતાને પગલે તેમને સાવધ રહેવા એલર્ટ કરાયાં હતાં.
સેન્ટ્રલ મિશિગનનાં ફેરપ્લેન ટાઉનશિપમાં એક વર્ષની એક બાળકીનો મૃતદેહ પૂરનાં પાણીમાં તરતો મળી આવ્યો હતો. મિશિગનમાં કોસ્ટગાર્ડે ૪૦ લોકોને બચાવી લીધાં. પૂરનાં વહેતાં પાણીમાં પુલ પરથી પસાર થતી ટ્રક તણાઈ જતાં ઓક્લાહોમામાં ૫૩ વર્ષના એક ડ્રાઇવરનું મોત થયું હતું. ઇલિનોઇસમાં પીઓટોન ખાતે કાર પાણીમાં તણાઈ જતાં બાવન વર્ષની મહિલાનું મોત થયું હતું.