લંડનઃ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર પ્રમુખપદ પર બિરાજમાન થાય તે હવે નિશ્ચિત બની ગયું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પ્રમુખપદ માટે જરૂરી 270 ઇલેક્ટોરલ વોટ પૈકી ડોનાલ્ડ ટ્રમ્પને 27 રાજ્યમાં વિજય સાથે 277 ઇલેક્ટોરલ વોટ પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. જ્યારે તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર અને વર્તમાન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને 19 રાજ્યમાં વિજય સાથે 224 ઇલેક્ટોરલ મતથી જ સંતોષ માનવો પડ્યો હતો. હજુ 4 રાજ્યોમાં મતગણતરી જારી છે જેમાંથી રાજ્યમાં ટ્રમ્પ લીડ સાથે આગળ વધી રહ્યાં હતાં જ્યારે માઇનેમાં હેરિસને લીડ પ્રાપ્ત થઇ હતી. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રમુખ બનશે તે નિશ્ચિત બની ગયું છે.
મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને હૃદયપુર્વકની શુભેચ્છાઃ નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી વિજય માટે હૃદયપુર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા મિત્ર ટ્રમ્પ અગાઉની ટર્મમાં તમે જે રીતે સફળતા હાંસલ કરી હતી તેવી જ રીતે હું ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા આપણા સહકારને પુનર્જિવિત કરવા ઇચ્છું છું. આવો આપણે સાથે મળીને આપણા લોકોની સુખાકારી માટે કામ કરીએ અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપીએ.
ઇલેક્ટોરલ વોટ (50માંથી 45 રાજ્યના પરિણામ)
ડોનાલ્ડ ટ્રમ્પ – 277
કમલા હેરિસ – 224
પોપ્યુલર વોટ
ડોનાલ્ડ ટ્રમ્પ – 7,01,49,064 (51.1 ટકા)
કમલા હેરિસ – 6,50,28,156 (47.4 ટકા)