વોશિંગ્ટનઃ અમેરિકાની મોબિલિટી કંપની એલેફ એરોનોટિક્સે ફ્લાઈંગ કારનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. કેલિફોર્નિયાના સાન મેટિયોમાં વડું મથક ધરાવતી કંપની 2015થી ફ્લાઇંગ કાના કન્સેપ્ટ અને તેને ડેવલપ કરવાના કામમાં જોડાયેલી છે. દસકા બાદ તેની મહેનત સાકાર થઇ છે. કંપની દ્વારા ટેસ્ટિંગનો વીડિયો જારી કરાયો છે. રિપોર્ટ મુજબ, ટેસ્ટની શરૂઆત કેલિફોર્નિયાના રોડ પર બ્લેક કલરની ઈલેક્ટ્રિક પ્રોટોટાઈપ કારના ડ્રાઈવિંગથી થઈ હતી. જેમાં કારને તેની આગળ ઊભેલી કારને કૂદાવીને જતાં જોઈ શકાય છે.
મોડલ-એ ને ડ્રાઈવેબલ ફ્લાઈંગ કાર તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ક્ષમતાઓ છે. કંપનીને 2023માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પાસેથી એરવર્થિનેસ સર્ટિફિકેટ મળ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, તેમના મોડલ-એને 3,300 પ્રી-ઓર્ડર મળ્યા છે. પહેલા કોમર્શિયલ મોડલની કિંમત ત્રણ લાખ ડોલર રાખવામાં આવી છે. આ કાર 320 કિમીની ડ્રાઈવિંગ રેન્જ અને 160 કિમીની ફ્લાઈટ રેન્જ ધરાવે છે.