વોશિંગ્ટનઃ યુએસના સિલિકોન વેલીમાં ટેકનિકલ એક્ઝિક્યુટિવ નરેન પ્રભુ અને તેમનાં પત્નીની સાન જોસમાં તેમના ઘરમાં જ મિર્ઝા ટોટલિક (૨૪) નામના યુવાને તાજતેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. મિર્ઝા નરેનની પુત્રીનો પૂર્વપ્રેમી હતો. તેમની પુત્રી અન્ય રાજ્યમાં રહે છે. હત્યા વખતે તે ઘરે નહોતી. મિર્ઝા અને નરેનની પુત્રીના સંબંધોનો અંત ગયા વર્ષે આવી ગયો હતો. હત્યારાની ઘરેલુ હિંસાનો જૂનો ઈતિહાસ છે. નરેનના ૨૦ વર્ષના પુત્રએ પોલીસને જાણ કરી હતી કે તેના માતા, પિતા અને ભાઈનો જીવ જોખમમાં છે. પોલીસ નરેનના ઘરે ગઈ ત્યારે નરેન મૃત અવસ્થામાં ઘરની બહાર પડ્યા હતા અને હત્યારાએ તેમની પત્ની ૧૩ વર્ષના પુત્રને બંદી બનાવ્યા હતા. પોલીસે ઘરને ઘેરીને મિર્ઝાને બહાર આવવા કહ્યું તો તેણે ૧૩ વર્ષીય છોકરાને છોડી દીધો હતો, પણ આત્મસમર્પણ કરવાની ઈનકાર કર્યો હતો. પોલીસ સાથેની અથડામણમાં તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે પોલીસ ઘરની અંદર પહોંચી તો તેમને નરેન પ્રભુની પત્ની અને હુમલાખોરના મૃતદેહ મળ્યા હતા.