વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી પ્રવીણ વર્ગીસની હત્યા પછી વિદ્યાર્થીનો પરિવાર છેલ્લા ચાર વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યો હતો. હવે આ પરિવારને ન્યાયની આશા આપતાં કોર્ટે સધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના ગાગી બેથુનેને ૧૭મી જૂને દોષિત ઠેરવ્યો હતો.
૨૦૧૪માં પાંચ દિવસ સુધી લાપતા થયા પછી અંતે સધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રવીણ વર્ગીસનો મૃતદેહ મળ્યો હતો. કાર્બોનેડાલેના સત્તાવાળાઓએ તેને એક કરુણ અકસ્માત ગણાવ્યો હતો અને એનવાયર્નમેન્ટલ હાપોથેમિયા ગણાવી હતી, પરંતુ ૧૯ વર્ષીય પ્રવીણના પરિવારે વાતનો અસ્વીકાર કરીને ન્યાયની માગ કરી હતી. તેની સ્વતંત્ર ઓટોપ્સી પછી સ્થાનિક કોરોનોરના અહેવાલથી વિપરીત નીકળી. પરિણામે કાર્બોન્ડેલે અને તેના પોલીસ વડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
૧૨ સભ્યોની જ્યુરીએ સધર્ન ઇલિનોઇસના ગાગી બેથુનેને વર્ગીસની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો. પોલીસ તપાસમાં એ વખતે ૧૯ વર્ષના બેથુને કહ્યું હતું કે તેણે પ્રવીણને ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ પાર્ટી પછી પોતાની બાઇક પર બેસાડયો હતો. બંને ખૂબ ફર્યા હતા અને વર્ગીસે કોકેઇન ખરીદવા ફાંફા માર્યા હતા. એ જ વખતે બંને વચ્ચે ઝગડો થયો. બેથુને વર્ગીસને માથામાં અનેક મુક્કા મારતા તેનું અવસાન થયું હતું. જ્યુરીએ આ નિર્ણય પર પહોંચતા પહેલાં લગભગ સાત કલાક સુધી મથામણ કરી હતી. અંતે બેથુનને એક કાઉન્ટનો આરોપી દર્શાવ્યો હતો. હવે તેને ૨૦થી લઇને ૬૦ વર્ષની સજા થઇ શકે છે. જો કે હજુ તેની સજા નક્કી કરાઇ નથી.
‘હવે પ્રવીણની આત્માને શાંતિ મળશે’ એમ પ્રવીણના માતા લવલી વર્ગીસે સુનાવણી પછી કહ્યું હતું.