વોશિંગ્ટનઃ વડોદરાના અને અમેરિકામાં વસતા ખગોળ વિજ્ઞાની કરણ જાની તાજેતરમાં અમેરિકામાં એક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા. જોકે કરણને આ કાર્યક્રમમાંથી એવું કહીને હાંકી કાઢવામાં આવ્યા હતા કે તેનું નામ હિન્દુ જેવું લાગતું નથી. કરણ જણાવે છે કે એટલાન્ટામાં આવેલા શ્રીશક્તિ મંદિરમાં ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારું આખું ગ્રુપ અહીં ગરબા ગાવા ગયું હતું. જોકે ગરબાના આયોજકોએ અમારી સાથે ગેરવર્તન કર્યું અને મને અને મારા મિત્રોને ગરબા ગાવા માટે પ્રવેશ ન મળ્યો. કરણ કહે છે કે તેણે આયોજકોને ગુજરાતીમાં પણ સમજાવવાની કોશિશ કરી હતી કે તે હિન્દુ છે અને ભારતીય છે. તેની સાથે પહોંચેલા કોંકણના મિત્રોએ પણ આયોજકોને સમજાવવા પ્રયત્નો કર્યાં છતાં તેમણે એક પણ વાત કાને ધરી નહોતી. કરણ જાની કહે છે કે આ ઘટના મને શરમમાં મૂકી દેનારી અને ખૂબ જ અકળાવનારી હતી.