ન્યૂ યોર્કઃ મોટાભાગના ભારતીય સહિત સેંકડો લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં અગત્યની ભૂમિકા ભજવવા બદલ ગુજરાતી મહિલા હેમા પટેલને ત્રણ વર્ષની જેલ અને લગભગ સિત્તેર લાખ ડોલરના મૂલ્યની સંપત્તિ જતી કરવી પડશે. આ મહિલા અજાણ્યાઓને અમેરિકામાં ઘુસાડવા માટે તેમની પાસેથી માથાદીઠ આશરે ૨૮થી ૬૦ હજાર ડોલર લેતી હતી. ગયા વર્ષે જૂનમાં હેમા પટેલે ગુનાની કબુલાત કરી હતી. હેમાના સાથીદાર ચંદ્રેશકુમાર પટેલને પણ ત્રણ વર્ષની જેલ અને દંડ ફટકારાયો હતો. તેઓ ભેગા મળી અજાણ્યાઓને હેમાની હોટલમાં રાખતા અને હજારો ડોલરની ફી વસુલતા હતા. હેમાએ કબુલ્યું હતું કે, અજાણ્યા લોકોને અમેરિકામાં ઘુસાડવાના બદલામાં ખૂબ કમાણી કરી હતી. દંડ પેટે હેમા પટેલે અન્ય બાબતો ઉપરાંત ટેક્સાસનું ઘર, બે હોટલો, ૭૨ લાખ બેલ બોન્ડ, ૧૧ સોનાની લગડીઓ અને ચાર લાખ ડોલર રોકડા ભરવા પડશે.