મુંબઈઃ ન્યૂ યોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેનાં પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના ભાઈઓ પાસે એટલા પૈસા નથી કે તેઓ પોતાના ભાઈ અને પેરેન્ટ્સના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે ભારત લાવી શકે. સમગ્ર ઘટના અંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી પરિવારને સાંત્વના આપી કે સરકાર તેઓની મદદ કરશે. ચંદન ગવઈ ન્યૂ યોર્કમાં એક આઇટી કંપનીમાં કામ કરતા હતા. ચાર જુલાઈએ તેઓ પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે ઇન્ડિપેન્ડ્ન્સ ડે હોવાથી બીચ પર આતશબાજી જોવા ગયાં હતાં. બાદમાં ઘરે પરત ફરતી વખતે ખૂબ જ સ્પીડમાં આવતા એક પિકઅપ ટ્રકે ચંદનની કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં ચંદન અને તેમનાં માતા-પિતાનું મોત નીપજ્યું. ૧૧ વર્ષીય પુત્રને બન્ને હાથમાં ફ્રેક્ચર થયું અને પત્ની મનીષાને માથા પર ગંભીર ઈજા થતા તે કોમામાં સરી પડી. ટ્રક ડ્રાઇવરનું પણ ઘટનામાં મોત નીપજ્યું હતું બાદમાં બહાર આવ્યું કે ટ્રક ડ્રાઇવર દારૂના નશામાં હતો.