વોશિંગ્ટનઃ અમેરિકામાં કેટલાક પાટીદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે યોજનારી વિરોધ પ્રદર્શન રેલી પ્રત્યે નારાજગી દર્શાવી છે. ૨૪ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન સિલિકોન વેલીના એક પટેલ જૂથે મોદી વિરોધી વલણ અપનાવ્યું છે. ગુજરાતના પાટીદાર અનામત આંદોલન મુદ્દે નરેન્દ્ર મોદીએ કોઇ યોગ્ય પ્રતિભાવ નહીં આપ્યો હોવાનું તેમનું માનવું છે.
પટેલોના અન્ય જૂથે મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલતું પટેલોનું આંદોલન રાજકારણ પ્રેરિત છે અને તે સમગ્ર પટેલ સમાજનો અવાજ નથી.
પીચસ્ટેટ હોસ્પિટાલિટીના સીઇઓ ડેની પટેલે જણાવ્યું હતું કે, અમેરિકાના પટેલો કોઇની તરફેણ કરતા નથી. તમામ પાટીદારો નરેન્દ્ર મોદીના વિરોધી નથી. પાટીદાર સમાજનું નીચું દેખાય તેવા લોકોને અમારો ટેકો નથી. અમેરિકામાં અંદાજે ૧,૫૦,૦૦૦ પટેલ વસે છે. મોદીનો વિરોધ કરનારા માત્ર મુઠ્ઠીભર પટેલો છે તેઓ પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતા નથી. અમેરિકાના પાટીદારો મહેનતું અને શાંતિપ્રિય છે, ભારતનો વિકાસ તેમના હૃદયમાં છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.