નવી દિલ્હીઃ અમેરિકાએ ૪૪ રાજ્યોએ ૨૦ જેટલી જેનરિક દવા કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં સાત ભારતીય કંપનીઓ પણ છે. પાંચ જેટલી કંપનીઓને રાજ્યોના એટર્ની જનરલ્સની નોટિસ પણ મળી ચૂકી છે જ્યારે બાકીની કંપનીઓને ન્યાય વિભાગની તપાસનો સામનો કરવો પડશે. આ કાર્યવાહી અંતર્ગત સૌથી વધુ ૮૭.૩ કરોડ ડોલર (આશરે રૂ. ૬૧૧૦ કરોડ)નો દંડ ભારતીય કંપની ગ્લેનમાર્ક પર કરાયો છે. આ દરેક દવા કંપનીઓ પર આરોપ છે કે તેણે ૨૦૧૩થી ૨૦૧૫ વચ્ચે ૧૧૨ દવાઓની કિંમત કૃત્રિમ રીતે વધારવા માટે ગોલમાલ કરી હતી. આ કાર્યવાહીમાં જે સાત ભારતીય કંપનીઓના નામે છે તેમાં વોકહાર્ટ, ડો. રેડ્ડી લેબોરેટરીઝ, અરવિંદો ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, લ્યૂપિન, ઝાયડસ ફાર્મા અને ટારો ફાર્મા સામેલ છે.
એક રિપોર્ટ અનુસાર આ કંપનીઓના વિરુદ્ધ ઘણા સમયથી કાર્યવાહી ચાલી રહી છે. જોકે તાજેતરમાં જે કેસ દાખલ થયો છે તેને કારણે આ કંપનીઓએ લાખો ડોલરનો દંડ પણ ભરવો પડી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના શરમન એન્ટ્રી ટ્રસ્ટ એક્ટ મુજબ વધુમાં વધુ ૧૦ કરોડ ડોલરનો દંડ લગાવાઈ શકાય છે. જોકે આ ગોલમાલમાં કેટલું નુકસાન થયું છે તેના અનુમાન બાદ આ દંડની રકમ વધારવામાં પણ આવી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જે કંપનીઓ એકથી વધુ દવા મામલે ફસાયેલી છે તે આ મામલાનું ઝડપી નિરાકરણ લાવવાની દિશામાં વિચારી શકે છે કેમકે તેને વધુ નુકસાન થવાની પણ શક્યતાઓ છે.