અલાબામા ખાતે ૫૭ વર્ષીય અને નડિયાદ નજીકના પીજના વતની સુરેશભાઈ પટેલ પર પોલીસ અધિકારી દ્વારા કરાયેલા ઘાતકી હુમલાથી ભારતીયોમાં આક્રોશ વ્યાપ્યો છે. ભારતીય સમુદાયે સુરેશભાઇ પટેલની તબીબી સારવારના ખર્ચ માટે સવા લાખ ડોલર એકઠા કર્યા છે, બીજી તરફ સુરેશભાઇ પર હુમલો કરનાર પોલીસ અધિકારીને ૧,૦૦૦ ડોલરનાં બોન્ડ પર મુક્ત કરાયો હતો. એરિક પાર્કર પર થર્ડ ડિગ્રી એસોલ્ટનો આરોપ છે, જો તેના પરના આરોપો પુરવાર થશે તો તેને અમેરિકી કાયદા પ્રમાણે એક વર્ષની કેદ અને ૬ હજાર ડોલરનો દંડ થઇ શકે છે. મેડિસન પોલીસે પાર્કરને નોકરીમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય પણ કર્યો છે.
સુરેશભાઇને મદદરૂપ થવા અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે ભંડોળ ઉઘરાવવાનું શરૂ કર્યું છે જેમાં અત્યાર સુધીમાં સવા લાખ ડોલર એકઠા થયા છે. અગાઉ ૨૫ હજાર ડોલર એકઠા કરવાનું લક્ષ્ય હતું.
સુરેશભાઈએ આ પોલીસ હુમલાને કારણે લકવાનો ભોગ બન્યા છે. ગુજરાતી મૂળના અમેરિકી સાંસદ એમી બેરાએ આ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું હતું કે, દક્ષિણ એશિયનો પર આ દેશમાં વધી રહેલા હુમલા ખરેખર ચિંતાની બાબત છે. એફ.બી.આઇ.એ તત્કાલ પગલા લીધા અને તપાસ ચાલુ કરી તેનો મને આનંદ છે. ન્યૂ યોર્કના ડેમોક્રેટિક કોંગ્રેસી સભ્ય ગ્રેસ મેંગે સુરેશભાઈ સાથે બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તેમની સ્થિતિમાં ઝડપી સુધારો થાય તેવી આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે કોઈ અમેરિકને અન્ય વ્યક્તિ પ્રત્યે ધૃણા રાખવાની જરૂર નથી. ઇન્ડિયન અમેરિકન ફોર પોલીટીકલ અવેરનેસના રાષ્ટ્રીય વડા સંપત શિવાંગીએ પણ ઘટનાને વખોડી હતી. તેમણે ઓબામાને એક ખુલ્લો પત્ર લખીને સુરેશ પટેલ માટે ન્યાય માંગ્યો હતો.
ખરેખર ઘટના શું હતી?
ગત સપ્તાહે સુરેશભાઇ પોતાના ઘરની નજીક વોકિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીએ તેમને અટકાવ્યા. સુરેશભાઇને ઇંગ્લિશ આવડતું ન હતું આથી પોલીસ અધિકારીનો જવાબ તેઓ આપી શકતા ન હતા. પોલીસના વિવિધ સવાલના જવાબમાં સુરેશભાઇ ‘નો ઇંગ્લિશ.. નો ઇંગ્લિશ’ બોલતા રહ્યા ને તે દરમિયાન તેમણે હાથ પોતાના પોકેટમાં મૂક્યા. પોલીસે સુરેશભાઇને જોરથી ધક્કો મારીને જમીન પર પછાડ્યા, જેને કારણે તેમને ઇજા પહોંચી ને તેમના પર લકવાની આશિંક અસર થઇ. અત્યારે સુરેશભાઇ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મદદ માટે ભારતનું વચન
આ ઘટનાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને ટ્વિટર પર જણાવ્યું કે ‘એટલાન્ટાના કોન્સ્યુલેટ જનરલ મેડિસન પોલીસ વડાના સંપર્કમાં છે. અને દૂતાવાસ સંબંધીત દરેક પ્રકારની મદદ અપાઈ રહી છે.’
સુરેશભાઇનો પુત્ર ચિરાગ પટેલ એન્જિનિયર છે અને તે હંટ્સવિલેમાં જોબ કરે છે. પિતા સાથે બનેલી દુર્ઘટના અંગે ચિરાગે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, મારા પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અમારું કુટુંબ ખૂબ ગરીબ હતું. ખૂબ મહેનત કરીને મને પિતાએ અમેરિકા મોકલ્યો અને 10 વર્ષો અહીં રહ્યા પછી અમારી આર્થિક સુધરી છે. અહીંયા મારા ઘરે બાળકનો જન્મ થયો ને પછી મેં ભારતમાં રહેતા પિતાને અહીં બોલાવવાનું નક્કી કર્યું. તેઓ મારી પ્રગતિથી ખૂબ ખુશ હતા ને મારા પર ગર્વ કરતાં હતા, જો કે, તે દિવસે પિતા રૂટિન પ્રમાણે ચાલવા ગયા ને આ દુર્ઘટના બની. તેઓ શાંતિથી માત્ર ચાલી રહ્યા હતા તેમ છતાં પોલીસે તેમને અટકાવ્યા ને આવી રીતે પછાડ્યા. તેઓ હજુ પણ હોસ્પિટલમાં છે.