વોશિંગ્ટનઃ નડિયાદ પાસેના પીજના વતની ૫૮ વર્ષીય સુરેશભાઈ પટેલ અમેરિકામાં પોતાના પૌત્રની સંભાળ લેવા ગયા હતા. એક દિવસ તેઓ મોર્નિંગવોક માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની પાસે બોલાવીને તેમની સાથે ગેરવર્તણૂક કરી તેમને જમીન ઉપર પટકી દીધા હતા. જેના કારણે તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. આ મુદ્દે મેડીસન પોલીસના જવાબદાર અધિકારી એરિક પાર્કર વિરુદ્ધ ૨ સપ્ટેમ્બરથી કેસની કાર્યવાહી શરૂ થઇ છે. સુરેશભાઈએ જણાવ્યું હતું કે મને અંગ્રેજી આવડતું નથી તેના કારણે પોલીસ શું કહેવા માગતી હતી તેનો મને ખ્યાલ નહોતો પરંતુ હું પોલીસને સહાકર આપી રહ્યો હતો તેમ છતાં પણ તેમણે મારો એક હાથ મચકોડીને મને પકડી લીધો હતો. તે પછી તેમણે મારા ખિસ્સા તપાસ્યા હતા. મેં તેમને સહકરાર આપવાની વાત કરી તો પણ તેઓ માન્યા નહોતા અને અંતે મને નીચે પટકી દીધો હતો.
ભારતીય યુવતીનાં મોત બદલ વેબસાઇટ, યુનિ. સામે કેસઃ ઓનલાઈન વિક્રેતા વેબસાઇટ એમેઝોન અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી પર ભારતીય મૂળની એક યુવતીની માતાએ કેસ કર્યો છે. આર્યા સિંઘે વેબસાઇટ પાસેથી ખરીદેલું સાયનાઈડ ખાઈને બે વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. યુનિ.ની નર્સિંગની વિદ્યાર્થિનીનું ૨૦૧૧માં એક વિદ્યાર્થીએ કથિત રીતે યૌન ઉત્પિડન કર્યું હતું પણ તેના અંગે કેસ નોંધાયો નહોતો. તેના પરિણામે બે વર્ષ પછી ૨૦૧૩માં વિદ્યાર્થિનીએ સાયનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી. યૌન ઉત્પિડન પછી યુવતી ક્લાસમાં ગેરહાજર રહેતી હતી અને આલ્કોહોલ લેવા લાગી હતી. ૨૦૧૨માં તેણે થાઈલેન્ડમાં એક વિક્રેતા દ્વારા એમેઝોન પર સાયનાઈડ ક્રિસ્ટલનો ઓર્ડર આપ્યો હતો.
મોદીની સિલિકોન વેલી સભા માટે ૪૫ હજાર લોકોની નોંધણીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૨૭ સપ્ટેમ્બરે અમેરિકાના સિલિકોન વેલી ખાતે યોજાનારી સભા માટે ૪૫ હજાર લોકોએ નોંધણી કરાવી છે તેમ આયોજકોએ જણાવ્યું હતું. ઇન્ડો અમેરિકન કોમ્યુનિટી ઓફ વેસ્ટ કોસ્ટે જણાવ્યું હતું કે આ ૪૫ હજાર પૈકી ૧૮૫૦૦ લોકોની આ કાર્યક્રમ માટે પસંદગી થશે. તેમનાં નામ હવે પછી જાહેર થશે. ટૂંક સમયમાં આ તમામ ૪૫ હજાર લોકોનાં નામ કમ્પ્યૂટરમાં નાખીને તેનો ડ્રો કરાશે.