વોશિંગ્ટનઃ ગુજરાતી મૂળની મેડિકલ ટેકનિશિયન હિનલ પટેલનું ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ થતાં ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટીએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવા આદેશ કર્યો છે. હિનલ પટેલ ૨૫ જુલાઈએ ઈમર્જન્સી કોલ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની એમ્બ્યુલન્સને અકસ્માત થયો હતો. ન્યૂ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટી રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર પણ છે.
ક્રિસ્ટીએ કહ્યું હતું કે, હિનલ પટેલની અન્ય લોકો માટેની સહાનુભૂતિ અને પોતાના સમાજ પ્રત્યેની વચનબદ્ધતા અનોખી હતી. જેમને જરૂર છે તેમની સેવા કરીને હિનલ પટેલે હંમેશા સન્માન મેળવ્યું હતું. ન્યૂ જર્સીમાં વસતા તમામ લોકો માટે તે એક આદર્શ વ્યક્તિ હતી.
હિનલ પટેલ પિસ્કાટવેમાં રહેતા હતા અને ત્યાંની જ હાઈસ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ રજર્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષ ૨૦૧૨માં તેમની ઈમર્જન્સી મેડિકલ સર્વિસની તાલીમ પૂરી થઈ હતી. એ પછી તેઓ સ્પોટ્સવુડ ઈમર્જન્સી મેડિકલ સર્વિસ અને નોર્થ સ્ટેલ્ટન વોલન્ટિયર ફાયર કંપનીમાં જોડાયા હતા. ન્યૂ જર્સીના ગવર્નરે કહ્યું હતું કે, ‘હું અત્યંત દુઃખ સાથે હિનલ પટેલ માટે પ્રાર્થના કરું છું. તેમના પરિજનો, મિત્રો અને સાથી કર્મચારીઓ સાથે અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે.’