ન્યૂ યોર્કઃ ઇમિગ્રેશનમાં થયેલા વધારાને પગલે અમેરિકામાં હિન્દુઓની સંખ્યા ૨૨.૩ લાખ સુધી પહોંચી છે. વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમાં ૧૦ લાખ અથવા તો ૮૫.૮%નો વધારો નોંધાયો છે. હિન્દુઓની સંખ્યામાં વધવાથી અમેરિકામાં હિન્દુ ચોથો સૌથી મોટો ધર્મ બન્યો છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરનો ‘રિલિજિયસ લેન્ડસ્કેપ સ્ટડી’ ૧૨એ જાહેર થયો હતો, જે મુજબ, યુએસની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન ૦.૪%થી વધીને ૦.૭% થઈ છે. વર્ષ ૨૦૦૭માં અમેરિકાની કુલ વસ્તી ૩૦.૧૨ કરોડમાં હિન્દુઓની વસતી ૧૨ લાખ હતી, જે ૨૦૧૪માં અમેરિકાની કુલ વસતી ૩૧.૮૮ કરોડમાં ૨૨.૩ લાખ સુધી પહોંચી છે.
સેન્ટરના આ રિપોર્ટ મુજબ, અમેરિકામાં હિન્દુઓ અન્ય કોઈ પણ ધાર્મિક સમુદાયોની સરખામણીએ સૌથી વધુ શિક્ષણ અને આવક ધરાવતો સમુદાય છે. અહીં વસતા હિન્દુઓમાંથી ૩૬% કુટુંબોની વાર્ષિક આવક ૧,૦૦,૦૦૦ યુએસ ડોલરથી વધુ ગઈ છે. અમેરિકાની કુલ વસતીના ૨૭% લોકો સ્નાતકની ડિગ્રી ધરાવે છે, જેની સરખામણીએ ૭૭% હિન્દુઓ પાસે સ્નાતક અને ૪૮% અનુસ્નાતકની ડીગ્રી ધરાવે છે.