વોશિંગ્ટનઃ અમેરિકામાં શૂટિંગ થાય ત્યારે ગન કંટ્રોલની તરફેણમાં જોરદાર અવાજ ઉઠે છે, પરંતુ ક્યારેય કોઇ નક્કર પગલાં લેવાતા નથી. અમેરિકામાં શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપનીઓ એટલી મજબૂત છે કે, તેઓ એકસંપ થઇને અમેરિકાના રાજકારણને પણ પ્રભાવિત કરી શકે છે. અમેરિકન ગન ઇન્ડસ્ટ્રી દર વર્ષે ૧.૫ બિલિયન ડોલરનો ચોખ્ખો નફો ઘરભેગો કરે છે અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટિક એ બંને પક્ષને ગન લોબી જંગી ભંડોળ પૂરું પાડે છે.
ગન ઈન્ડસ્ટ્રી વર્ષે ૧૩.૫ બિલિયન ડોલરની બંદૂકોનું ઉત્પાદન કરે છે. આ બંદૂકોમાં એસોલ્ટ રાયફલથી માંડીને પિસ્તોલ, રિવોલ્વર અને શોટ ગનનો સમાવેશ થાય છે. આ પ્રકારના શસ્ત્રોની બુલેટનું પણ જંગી ઉત્પાદન થાય છે. અમેરિકન નાગરિક ઇચ્છે એટલી બંદૂકો ખરીદી શકે છે. આ કાયદાનો ગન લોબી છેલ્લાં અનેક દાયકાથી ભારે ફાયદો ઉઠાવી રહી છે.
વસ્તી કરતાં બંદૂક વધુ
અત્યારે અમેરિકામાં વિશ્વના કોઇ પણ દેશ કરતા વધુ બંદૂકો છે તેનું કારણ તેના હળવા કાયદા છે. અમેરિકાની વસતી ૩૧.૭૦ કરોડ છે, પરંતુ બંદૂકોની સંખ્યા ૩૫.૭૦ કરોડ છે. આ આંકડા જ દર્શાવે છે કે સ્થિતિ કેટલી ભયાવહ છે.