આઈઓવાઃ અમેરિકાના આઈઓવાના પશ્ચિમમાં આવેલા મોઇનેશ શહેરમાં ૧૫મી જૂને અજ્ઞાત હુમલાખોરોએ એક ભારતવંશી પરિવારના ઘરમાં ઘૂસીને ચાર લોકોને ઠાર માર્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર પડોશીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી ત્યારે ખબર પડી હતી. મૃતકોની ઓળખ ચંદ્રશેખર સુનકારા, લાવણ્યા સુનકારા, અને તેમના બે પુત્રો તરીકે થઈ છે. બાળકોની ઉંમર ૧૫ અને ૧૦ વર્ષની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘરમાં રાઉન્ડ ફાયરિંગના પુરાવાઓ મળ્યા છે. હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ વધારે તપાસ કરી રહી છે. ચંદ્રશેખર ગત ૧૧ વર્ષથી ઈન્ફોર્મેશન ટેક્નો. ડિપાર્ટમેન્ટોમાં નોકરી કરી રહ્યાં છે.
રેકોર્ડ પરથી ખબર પડી કે આ ઘરમાં તેમનો પરિવાર માર્ચથી રહેતો હતો. આ ઘટના બાદ મૃતકોના સગાંવહાલાઓ, દોસ્તો અને સહકર્મીઓમાં ડરનો માહોલ પેદા થયો છે. પરિવારના બીજા સભ્યોની ફરિયાદને આધારે પોલીસ કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અધિકારીઓએ કહ્યું કે ઘટના બની તે પહેલાં તેમના ઘરમાં બીજો કોઈ માણસ ઘૂસ્યો નહોતો. રિપોર્ટ અનુસાર સ્થાનિક લોકોએ તો પોલીસને એવું પણ કહ્યું છે કે સુનકારા પરિવાર ડિપ્રેશનમાં હતો અને કદાચ તેમણે આપઘાત કર્યો હોઈ શકે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે સુનકારાનો પરિવાર આંધ્રના ગુન્ટરમાંથી આવે છે. સુનકારા વધારે અભ્યાસ માટે અમેરિકા ગયા હતા અને પાછળથી સહપરિવાર ત્યાં ઠરીઠામ થઈ ગયા હતા.