ન્યૂ યોર્ક: કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કમાં ૮૦૦ ફૂટ ઉંચાઈથી પડીને ભારતીય દંપતીનું તાજેતરમાં મોત થયું છે. બંનેનાં શબ પાર્કના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ ટાફ્ટ પોઈન્ટ નીચેથી મળી આવ્યાં હતાં. ૨૯ વર્ષના વિષ્ણુ વિશ્વનાથ અને તેની ૩૦ વર્ષની પત્ની મીનાક્ષી મૂર્તિ સૈનફ્રાન્સિસ્કોમાં રહેતા હતા. વિષ્ણુ સેનજોસમાં સિસ્કો કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે કામ કરતા હતા.
સેનફ્રાન્સિસકો ક્રોનિકલના જણાવ્યા પ્રમાણે, વિષ્ણુ અને મીનાક્ષીના મૃતદેહોની ઓળખ ૨૯મી ઓક્ટેબરે થઈ હતી. લાશ જોઈને પર્યટકોએ ઓફિસરોને જાણ કરી હતી. બંનેને એડ્વેન્ચર ટ્રાવેલિંગનો શોખ હતો. વિષ્ણુ જે જગ્યાએ ફર્યો હતો તેની માહિતી બ્લોગ 'હોલીડે એન્ડ હેપ્પીલી અવર આફ્ટર' પર લખતો હતો.
નેશનલ પાર્કના પ્રવક્તા જેમી રિચડર્સે જણાવ્યું કે, હજી સુધી અમને એ ખબર નથી પડી શકી કે તે લોકો કઈ જગ્યા પરથી નીચે પડ્યા છે. તે વખતે શું થયું હશે અમે તે જાણવાનો પ્રયત્ન કરીશું. જે પણ થયું તે ખૂબ દુખી કરે તેવું છે.
તપાસ અધિકારીઓ એ વિશે તપાસ કરી રહ્યા છે કે, કપલ કેવી રીતે પડ્યું અથવા તે સમયે શું થયું અને આ ઘટના બની. યોસેમાઈટ નેશનલ પાર્ક ફરવા આવેલા દરેક પર્યટક આ સમયને યાદગાર બનાવવા ટાફ્ટ પોઈન્ટ પર તસવીર ચોક્કસ લે છે.
ટાફ્ટ પોઈન્ટની નીચે એક ઉંડી ખાઈ આવેલી છે. એટલે વિષ્ણુ અને મીનાક્ષીની લાશકાઢવામાં પાર્ક રેન્જરોને ઘણી તકલીફ પણ થઈ હતી. તે માટે કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલિંગનું હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું હતું.
વિષ્ણુ અને મીનાક્ષીના ૨૦૧૪માં લગ્ન થયા હતા. બંને સોફ્ટવેર એન્જિનિયર હતા. કપલને એડ્વેન્ચરનો ખૂબ શોખ હતો. વિષ્ણુએ કોલોરોડના ગ્રેન્ડ કેનયનના ટોપ પર લીધેલી તસવીરને ફેસબુકનું કવર પેજ બનાવ્યું હતું.
ઘણાં લોકોએ આ કપલના મતો પર દુખ વ્યક્ત કર્યું છે. કેરળની ચેગન્નૂરની કોલેજ ઓફ એન્જિનિયરિંગએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, વિષ્ણુ અને મીનાક્ષીએ ૨૦૦૬-૧૦માં કોમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી લીધી હતી. તેમના પરિવાર સાથે અમારી સંવેદના છે.
ન્યૂયોર્કમાં રહેતા રાજ કટ્ટાએ કહ્યું- ઈલિનોયની બ્રેડલ યૂનિવર્સિટીમાં મને બંનેને ઓળખવાનો સમય મળ્યો હતો. બંનેની જોડી ખૂબ શાનદાર છે. તેઓ ખૂબ ટેલેન્ટેડ હતા અને હંમેશા ખુશ રહેતા હતા.