વોશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હિંદુઓ સહિતના વિવિધ ધર્મોના લોકો સામેના હેટ ક્રાઇમમાં ૨૦૧૫ કરતા પાંચ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં હેટ ક્રાઇમની ૬૧૨૧ ઘટના નોંધાઇ છે. આ પ્રકારના ગુના હિંદુ અને શીખ સમાજના લોકો પણ આચરાયા છે, પરંતુ સૌથી વધારે ગુના આફ્રિકનો અને યહૂદીઓ સામે નોંધાયા છે. ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને જાહેર કરેલા આંકડા પર નજર કરતા જણાય છે કે, ૨૦૧૬માં અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ ૧૨ અને શીખો વિરુદ્ધ સાત હેટ ક્રાઇમના ગુના નોંધાયા છે. આ ઉપરાંત એક હેટ ક્રાઇમનો ગુનો બૌદ્ધધર્મી સામે પણ નોંધાયો છે.
એશિયાઇ દેશો વિરુદ્ધના પૂર્વગ્રહના કારણે હેટ ક્રાઇમના ૩.૧ ટકા ગુના નોંધાયા છે, જ્યારે આરબ વિરુદ્ધ માનસના કારણે ૧.૩ ટકા ગુના નોંધાયા છે. યુએસ એટર્ની જનરલ જેફ સેશન્સે કહ્યું હતું કે, અમેરિકામાં કોઇ પણ વ્યક્તિએ તે કોણ છે એવું વિચારીને હેટ ક્રાઇમથી ગભરાવાની જરૂર નથી. તેઓ ગમે તે શ્રદ્ધા રાખતા હોય કે ગમે તે રીતે પૂજાઅર્ચના કરતા હોય, એ બધા જ અમેરિકામાં સુરક્ષિત છે. અમેરિકામાં ૯/૧૧ પછી હેટ ક્રાઇમની ઘટનાઓ વધી છે.