વોશિંગ્ટનઃ અમેરિકામાં વારતહેવારે થતાં શૂટિંગમાં સેંકડો નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાય જાય છે. કહેવાય છે કે, અમેરિકામાં લેપટોપ કરતાં બંદૂકો સસ્તી છે. આ પ્રકારના ગન કલ્ચરનો વિરોધ કરવા રાજધાની વોશિંગ્ટનમાં આઠ લાખ લોકોએ પ્રચંડ રેલી યોજીને ગન કલ્ચર વિરોધ પ્રચંડ આક્રોશ ઠાલવીને આ દૂષણ નાબૂદ કરવા હાકલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિશ્વમાં ક્યાંય ગન કલ્ચરના વિરોધમાં આટલી વિશાળ રેલી યોજાઈ નથી.
આ ઐતિહાસિક રેલી દરમિયાન અમેરિકામાં બંદૂકો રાખવાના કાયદા કડકમાં કડક કરવાની માગ કરાઈ હતી. ફ્લોરિડાની સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૭ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધા પછી અમેરિકામાં ગન રિફોર્મ્સની માગણીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન સહિત ૮૦૦થી પણ વધુ જગ્યાએ લોકોએ ગન કલ્ચર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ન્યૂ યોર્કમાં પણ ૧.૭૫ લાખ લોકો વોશિંગ્ટન રેલીને સમર્થન આપવા ભેગા થયા હતા. હાલમાં જ સ્કૂલ શૂટિંગનો ભોગ બનેલા ફ્લોરિડામાં પણ ૧૫ હજાર લોકોએ ગન કલ્ચરના વિરોધમાં રેલી યોજી હતી. લોસ એન્જલસથી લઈને શિકાગો તેમજ લંડન, ટોક્યો, મુંબઇ, સિડની જેવા વિશ્વભરના ૧૦૦થી વધુ શહેરોમાં અમેરિકનોએ બંદૂકો રાખવાના કાયદામાં ઝડપી સુધારા કરવાની માગ કરી હતી. આ રેલીમાં ડેમી લોવાટો, જેનિફર હડસન, માઇલી સાયરસ, આરિયાના ગ્રાન્ડ, લિન મિરાન્ડા અને આન્દ્રા ડે જેવા પોપ સ્ટાર્સે પર્ફોર્મ કર્યું હતું અને બંદૂકોના વેચાણમાં કાયદાકીય સુધારા કરવાની માગ કરી હતી.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેફ પાર્કિન્સને કહ્યું હતું કે, ‘અમે અમેરિકન નાગરિકો, વિદ્યાર્થીઓની હિંમતને દાદ આપીએ છીએ કારણ કે, તેઓ પોતાના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી રહ્યા છે.’
વિરોધ અને તરફેણમાં નીકળેલી રેલીઓ સામસામે
અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં ગન કલ્ચર વિરુદ્ધ રેલીઓ યોજવામાં આવી હતી. એરિઝોના સ્ટેટના ફિનિક્સમાં પણ આવી જ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આશરે ૧૫ હજાર લોકો ઊમટયા હતા. જોકે, આ રેલી ફિનિક્સમાંથી પસાર થઇ રહી હતી ત્યારે કેટલાક લોકો બંદૂક રાખવાના અધિકારની તરફેણમાં નીકળ્યા હતા. જોકે, આ રેલીમાં લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. આ લોકો ખુલ્લેઆમ એસોલ્ટ રાયફલો લઇને ફિનિક્સના રસ્તા પર નીકળ્યા હતા. બન્ને રેલીઓ આમનેસામને આવી જતાં સામાન્ય ઘર્ષણ થયું હતું. કેટલાક લોકોએ બંદૂકો લઇને નીકળેલા લોકો સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી. ફિનિક્સ પોલીસે જણાવ્યું હતું કે, બંદૂકો રાખવાના કાયદા કડક કરવાની તરફેણમાં જંગી રેલી નીકળી હતી. આ રેલી ઉગ્ર દેખાવો પછી પોતાના માર્ગે આગળ વધી ગઇ હતી.
ટ્રમ્પના કાફલાએ રૂટ બદલવો પડ્યો
ગન કલ્ચર વિરોધી રેલીએ અમેરિકાનું જનજીવન ખોરવી નાંખ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાંથી પસાર થઇ રહેલાં કાફલાએ ગન કલ્ચરની વિરુદ્ધમાં યોજાયેલી રેલીઓના કારણે પોતાનો રૂટ બદલવો પડયો હતો. ટ્રમ્પ સામાન્ય રીતે વિકએન્ડ્સ ફ્લોરિડામાં પામ બિચ પર આવેલા માર-આ-લાગો રિસોર્ટમાં ગોલ્ફ રમતા હોય છે.